લંડનઃ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ૯ ઓક્ટોબર, શુક્રવારથી સ્કોટલેન્ડમાં કોરાનાના વધતા સંક્રમણને ખાળવા પબ્સ અને રેસ્ટોરામાં અંદર બેસીને શરાબપાન કરવા તેમજ સાંજના ૬ વાગ્યાથી પબ્સ અને રેસ્ટોરાં બંધ કરવાનો ૧૬ દિવસ એટલે કે ૨૬ ઓક્ટોબર સુધીનો પ્રતિબંધ લાદી દીધો હતો. કાફે સહિતના હોસ્પિટાલિટી સ્થળોને સવારના ૬થી સાંજના ૬ વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે. જોકે, આઉટડોર સર્વિસ આપતાં બાર, રેસ્ટોરાં અને કાફે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે. સ્કોટલેન્ડમાં એક જ દિવસે નવા ૧,૦૦૦થી વધુ સંક્રમિત કેસ આવતા અસાધારણ પગલાંની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત, ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જને અસરગ્રસ્ત બિઝનેસીસ માટે ૪૦ મિલિયન પાઉન્ડના નવા વળતરની પણ જાહેરાત કરી હતી. નવા પ્રતિબંધોથી હોટસ્પોટ ગણાયેલા ગ્રેટર ગ્લાસગો એન્ડ ક્લાઈડ, લેનાર્કશાયર, આયરશાયર એન્ડ આરાન, લોથિઆન અને ફોર્થ વેલીમાં ઈનડોર અને આઉટડોર સર્વિસ આપતા બિઝનેસીસને ખાસ અસર થશે. દરમિયાન સ્ટર્જને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વીકએન્ડમાં સર્કિટ બ્રેકર લોકડાઉનના પાલનથી તેઓ ખુશ છે.