લંડનઃ સ્કોટિશ પાર્લામેન્ટે સ્વતંત્રતા માટે બીજી વાર રેફરન્ડમ યોજવાનો પ્રસ્તાવ ૫૯૮ વિરુદ્ધ ૬૯ મતથી પસાર કરી દીધા પછી ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને વડા પ્રધાન થેરેસા મેને પત્ર લખી બીજા સ્કોટિશ ઈન્ડિપેન્ડન્સ રેફરન્ડમ માટે વિનંતી કરી છે. આ રેફરન્ડમ ઓટમ ૨૦૧૮થી સ્પ્રિંગ ૨૦૧૯ વચ્ચે યોજવાની રજૂઆત કરવામાં આવી છે.
સ્કોટિશ નેતાએ જણાવ્યું હતું કે બીજા રેફરન્ડન્મ માટેના મેન્ડેટ સામે પ્રશ્ન ઉઠાવી શકાય તેમ નથી. જોકે, સ્કોટિશ સેક્રેટરી ડેવિડ મન્ડ્લે જણાવ્યું હતું કે યુકે સરકાર આ વિનંતીને નકારશે.
નિકોલા સ્ટર્જને સંસદમાં જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન (ઇયુ)થી યુકેના અલગ થવાની સ્થિતિમાં સ્કોટલેન્ડની જનતા નિર્ણય લઇ શકે તે માટે આ પગલું આવશ્યક હતું. સ્કોટિશ સરકારના મિનિસ્ટર માઈક રસેલે જણાવ્યું હતું કે બીજા આઝાદી જનમત અંગેની તારીખ વાટાઘાટોથી નિશ્ચિત કરવામાં આવશે. જોકે, બ્રિટિશ સરકારે અગાઉ સ્પષ્ટ કર્યું જ છે કે બ્રેક્ઝિટ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી રેફરન્ડમ લઈ શકાશે નહિ અને સરકાર તેના પર વિટો વાપરશે.
પ્રથમ સ્કોટિશ આઝાદી રેફરન્ડમ ૨૦૧૪માં લેવાયો હતો, જેમાં સ્કોટલેન્ડની જનતાએ યુકેથી અલગ થવાની માગણી ફગાવી દીધી હતી. ૫૫ ટકા લોકોએ યુકેથી અલગ થવાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. યુકેમાં ઇંગ્લેન્ડ, સ્ટોલેન્ડ અને આયર્લેન્ડ સામેલ છે. ગયા વર્ષે જૂનમાં લેવાયેલાં ઈયુ રેફરન્ડમમાં સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડે ઈયુમાં રહેવાની તરફેણ કરી હતી. સ્કોટલેન્ડ અને બ્રિટન વચ્ચે યુરોપિયન યુનિયન છોડવા અંગે મતભેદ છે.


