સ્કોટલેન્ડમાં મોટા ઈવેન્ટ્સ માટે વેક્સિન પાસપોર્ટ્સ જરૂરી બનશે

Wednesday 08th September 2021 04:49 EDT
 
 

એડિનબરાઃ સ્કોટલેન્ડમાં નાઈટ ક્લબ્સ અને મ્યુઝિક કોન્સર્ટ્સ,  ફેસ્ટિવલ્સ, પ્રીમિયરશિપ ફૂટબોલ મેચ સહિત મોટા ઈનડોર અને આઉટડોર કાર્યક્રમોમાં પ્રવેશ માટે સપ્ટેમ્બરના પાછળના ભાગથી વેક્સિન પાસપોર્ટ્સ જરૂરી બનશે તેમ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જાહેર કર્યું છે. આ પ્લાનને સ્કોટિશ પાર્લામેન્ટના સાંસદો આગામી સપ્તાહે બહાલી આપી શકે છે. તાજેતરમાં સ્કોટલેન્ડમાં કોરોના કેસીસમાં ઉછાળાના કારણે આ પગલું જરૂરી બન્યું હોવાનું સ્ટર્જને જણાવ્યું હતું.

આ મહિનાથી અમલમાં આવનારા નવા કાયદા અનુસાર નાઈટ ક્લબ્સ અને ૫૦૦ લોકોની ક્ષમતા સાથેના ઈનડોર કાર્યક્રમોમાં જવા માટે લોકોએ વેક્સિનેશનના પુરાવા આપવાના રહેશે. આ નિયમો બેઠકો વિના ૪,૦૦૦ની ક્ષમતાના આઉટડોર ઈવેન્ટ્સને પણ લાગુ કરાશે. આ ઉપરાંત, ૧૦,૦૦૦ કે તેથી વધુ લોકોની હાજરી સાથેના મ્યુઝિક કોન્સર્ટ્સ,  ફેસ્ટિવલ્સ, પ્રીમિયરશિપ ફૂટબોલ મેચ સહિત તમામ કાર્યક્રમો માટે પણ ૧૮ અને તેથી વધુ વયના લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા હોવાના પુરાવા આપવા પડશે.

સ્ટર્જને જણાવ્યું હતું કે સમગ્ર હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને સર્ટિફિકેશન સ્કીમ હેઠળ આવરી નહિ લેવાય પરંતુ, નિર્ણય સમીક્ષા હેઠળ રહેશે. શોપ્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, એજ્યુકેશન અને મેડિકલ સર્વિસીસ જેવી બાબતોમાં હાજરી મુદ્દે લોકો સમક્ષ કોઈ પસંદગી ન હોય તવી ચાવીરુપ સેવાઓ કે વ્યવસ્થાનો સમાવેશ કરવાની કોઈ યોજના નથી. બાળકો અને ચોક્કસ તબીબી હાલત ધરાવતા લોકો સહિતને સંપૂર્ણ વેક્સિનેશન ન કરાવવાનું યોગ્ય કારણ હશે તેમને અપવાદમાં રખાશે.

બીજી તરફ, SPFLના ચીફ એક્ઝિક્યુટિવ નીલ ડોનકાસ્ટરે કહ્યું હતું કે પ્રીમિયરશિપ ફૂટબોલ ક્લબ્સને આ યોજનામાં IT ઈન્ફ્રાસ્ટરક્ચર, ક્લબ્સ કયા ટાઈમ સ્કેલમાં કામ કરશે અને સ્માર્ટફોન્સ નહિ રાખનારા સાથે વર્તાવ, સીઝન ટિકિટ્સની શરતો અને નિયમો સહિત અનેક પ્રશ્નો અને ઘણી ચિંતા છે.

યુરોપમાં કોરોના વાઈરસના ઊંચા દર ધરાવતા પ્રદેશોમાં સ્કોટલેન્ડના ઘણા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. ગત દિવસોમાં હોસ્પિટલમાં દાખલ થનારા પેશન્ટ્સની સંખ્યા ઘણી વધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter