સ્કોટલેન્ડમાં સૌપ્રથમ લો એમિશન ઝોનનો ગ્લાસગોમાં પ્રારંભ

ઉલ્લંઘન કરનાર વાહનચાલક પાસેથી 60 પાઉન્ડનો દંડ વસૂલાશે

Tuesday 06th June 2023 13:54 EDT
 
 

લંડનઃ સ્કોટલેન્ડમાં સૌપ્રથમ લો એમિશન ઝોનનો ગ્લાસગો ખાતે પ્રારંભ કરાયો છે. જેના પગલે ગ્લાસગોસિટી સેન્ટરમાં વાહન હંકારનારા હજારો વાહનચાલકોને દંડનો સામનો કરવાની નોબત આવશે. નવા પર્યાવરણ નિયમોનું ઉલ્લંઘન કરનાર કાર, વાન, બસ અને લોરીના ચાલકોને 60 પાઉન્ડનો દંડ થઇ શકે છે. ગ્લાસગોમાં લો એમિશન ઝોનની જાહેરાતના પગલે હવે શહેરની સડકો પર જૂના વાહનો હંકારી શકાશે નહીં.

તેનો અર્થ એ થયો કે સ્કોટલેન્ડમાં રજિસ્ટર્ડ થયેલા 7,30,000 વાહન નિયમો અનુસાર નથી તેથી તેઓ આ ઝોનમાં પ્રવેશ કરી શકશે નહીં. એડિનબરો, આબેરદીન અને ડંડી શહેરો જૂન 2024થી લો એમિશન ઝોનનો અમલ કરવા જઇ રહ્યાં છે.

એલાયન્સ ફોર બ્રિટિશ ડ્રાઇવર્સના બ્રાયન ગ્રેગરી કહે છે કે, એલઇઝેડનો અમલ થતાં જ ઘણા લોકોને આઘાત લાગ્યો છે. હજારો વાહનચાલકોએ દંડથી બચવા માટે જૂની કાર વેચીને નવી કાર ખરીદવી પડશે. આ પર્યાવરણ માટે કેવી રીતે સારું હોઇ શકે.

આ નવા નિયમોના કારણે સૌથી વધુ અસર ડીઝલ સંચાલિત વાહનો પર પડશે. સપ્ટેમ્બર 2015 પહેલાં રજિસ્ટર્ડ થયેલા ડીઝલ સંચાલિત વાહનો અને 2006 પહેલાં રજિસ્ટર્ડ થયેલાં પેટ્રોલ સંચાલિત વાહનો લો એમિશન ઝોનમાં પ્રવેશી શકશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter