સ્કોટિશ ગ્રીન પાર્ટીના સાંસદ મણિવન્નનના પછાત હોવાના દાવા ખોટા સાબિત થયા

ખાનગી શાળામાં અભ્યાસ અને વૈભવી ઉછેર થયો હોવાનો ખુલાસો

Tuesday 26th May 2026 11:15 EDT
 
 

લંડનઃ સ્કોટિશ ગ્રીન પાર્ટીના સાંસદ ક્યૂ મણિવન્નને ભારતમાં અત્યંત પછાત અને વંચિત પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાનો દાવો કર્યો હતો પરંતુ તેઓ વાસ્તવમાં વૈભવી વાતાવરણમાં ઉછર્યા હોવાનું અને પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ક્યૂ મણિવન્નન આ જ મહિને યોજાયેલી ચૂંટણીમાં સ્કોટિશ સંસદસભ્ય બન્યા છે. તેઓ હાલમાં સ્ટુડન્ટ વિઝા પર હોવા છતાં ચૂંટાઈ આવ્યા છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન મણિવન્નનએ દાવો કર્યો હતો કે તેઓ એક પછાત જ્ઞાતિની પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભૂતકાળમાં તેમને ભૂખે મરવું પડતું હતું.

જોકે, એક અખબારી તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે કે મણિવન્નન ભારતના સૌથી ધનિક શહેરોમાંના એક ચેન્નાઈના એક ઉચ્ચ-મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. મણિવન્નન પોતે ખાનગી હાઈસ્કૂલ અને ખાનગી યુનિવર્સિટીમાં ભણ્યા છે. એટલું જ નહીં તેઓ ત્યારબાદ એક એવી કંપનીની પેટા-સંસ્થા ચલાવતા હતા જે અમીરોના બાળકોને વિશ્વની ચુનંદા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે કોચિંગ પૂરું પાડે છે.

મણિવન્નનનો પરિવાર ઓછામાં ઓછી બે પેઢીઓથી વ્યાવસાયિક ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. તેમના પિતા મણિવન્નન દશરથી, કેમિકલ એન્જિનિયરિંગ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી ધરાવે છે. તેમની માતા રાજચિત્રા મણિવન્નન શિક્ષણ જગતમાં કાર્યરત હતા.

આ મામલે વિપક્ષ સ્કોટિશ કન્ઝર્વેટિવ પાર્ટીએ આકરા પ્રહારો કર્યા છે. પક્ષના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્કોટિશ ગ્રીન પાર્ટીની આંખોમાં ધૂળ નાખ્યા બાદ હવે ક્યૂ મણિવન્નનએ ઘણા સવાલોના જવાબો આપવા પડશે. આ સમગ્ર વિવાદ અંગે સ્કોટિશ ગ્રીન પાર્ટીએ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter