લંડન: સાંસદ રુપર્ટ લોએ યુકેની ચૂંટણીમાં વિદેશી નાગરિકોના પ્રતિનિધિત્વ સામે ગંભીર સવાલો ઉઠાવતા નવો વિવાદ છેડ્યો છે. સ્કોટિશ સંસદમાં ભારતીય મૂળના ક્યુ મણિવન્નનના વિજય બાદ લોએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જે નાગરિકો પાસે બ્રિટનનું કાયમી નાગરિકત્વ કે વિઝા નથી, તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
તાજેતરમાં યોજાયેલી સ્કોટિશ સંસદની ચૂંટણીમાં તમિલનાડુમાં જન્મેલા અને સ્કોટિશ ગ્રીન પાર્ટીના ઉમેદવાર ક્યુ મણિવન્નન વિજેતા બન્યા છે. મણિવન્નન બ્રિટનમાં પરમેનેન્ટ રેસિડેન્સી ધરાવતા નથી અને હાલમાં કામચલાઉ ગ્રેજ્યુએટ વિઝા પર ત્યાં વસે છે. સ્કોટિશ સરકાર દ્વારા ગત વર્ષે ચૂંટણી નિયમોમાં કરવામાં આવેલા ફેરફારને કારણે મણિવન્નન ઉમેદવારી નોંધાવવા પાત્ર બન્યા હતા. અગાઉના નિયમ મુજબ માત્ર કાયમી રહેવાસની પરવાનગી ધરાવતા વ્યક્તિ જ ચૂંટણી લડી શકતા હતા.
ક્યુ મણિવન્નન મૂળ તમિલનાડુના વતની છે અને વર્ષ 2021માં પીએચ.ડી.ના અભ્યાસ માટે સ્કોટલેન્ડ ગયા હતા. તેઓ સ્કોટિશ સંસદમાં ચૂંટાયેલા પ્રથમ એવા સભ્ય છે જેઓ બ્રિટિશ નાગરિકત્વ કે કાયમી વિઝા ધરાવતા નથી.
સ્કોટિશ ગ્રીન પાર્ટીએ મણિવન્નનનો બચાવ કરતા જણાવ્યું છે કે તેઓ કાયદેસરના વિઝા પર છે અને તેમને કામ કરવાનો તથા રહેવાનો સંપૂર્ણ અધિકાર છે. જોકે, આ ઘટનાએ બ્રિટનમાં ઇમિગ્રેશન કાયદા અને લોકશાહીમાં વિદેશીઓના હસ્તક્ષેપ અંગે નવી ચર્ચા જગાવી છે.


