સ્કોટિશ સરકારે જાહેર ક્ષેત્રમાં ૧ ટકાની વેતનમર્યાદા ફગાવી

Monday 03rd July 2017 08:25 EDT
 
 

લંડનઃ સ્કોટિશ સરકારે નર્સીસ હડતાળની ધમકીને ધ્યાનમાં રાખી જાહેર ક્ષેત્રમાં કામદારો માટે વાર્ષિક વેતનમાં એક ટકાના વધારાની મર્યાદા એકપક્ષીય રીતે દૂર કરવા વચન આપ્યું છે. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જણાવ્યું હતું કે તેમની સરકાર સમગ્ર યુકેની વેતનનીતિને પડતી મૂકશે.

સ્કોટલેન્ડના જાહેર ક્ષેત્રમાં નર્સીસ અને ફાયરફાઈટર સહિત ૫૦૦,૦૦૦ વર્કર અંકુશિત વેતનનીતિના કારણે વધુ પગારવધારો મેળવી શકતાં નથી. સ્ટર્જન આ મર્યાદા દૂર કરવા લેબર, સ્કોટિસ ગ્રીન પાર્ટી અને ટ્રેડ યુનિયન નેતાઓના દબાણનો સામનો કરી રહ્યાં છે. સમગ્ર યુકેમાં વેતનવધારાની એક ટકાની મર્યાદા દૂર કરવા કોમન્સમાં ક્વીન્સ સ્પીચમાં સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)ના ટેકા સાથે લેબર પાર્ટીના સુધારાને કન્ઝર્વેટિવ અને ડીયુપી ગઠબંધને ફગાવી દીધાં પછી આ દબાણ વધી ગયું હતું. થેરેસા સરકાર મર્યાદાનો અંત લાવવા ઈચ્છે છે તેવા પ્રારંભિક સંકેતો પછી મર્યાદા દૂર નહિ કરાય તેવી સ્પષ્ટતા આવી હતી.

સ્કોટિશ ફાઈનાન્સ સેક્રેટરી ડેરેક મેક્કેએ જણાવ્યું હતું કે મર્યાદા દૂર કરવાનો સમય પાકી ગયો છે. ચૂંટણી અગાઉ જ ધ રોયલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા ચેતવણી અપાઈ હતી કે નર્સીસનો વાસ્તવિક પગાર ૧૪ ટકા ઓછો રહ્યો છે અને તેના સભ્યો હડતાળના મતદાનનું વિચારી રહ્યા છે. સ્કોટિશ પાર્લામેન્ટના સંશોધકોએ જણાવ્યું છે કે નર્સને સરેરાશ વાર્ષિક ૩,૪૦૦ પાઉન્ડનું નુકસાન જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter