સ્ટાર્મર પર રાજીનામાનું પ્રચંડ દબાણ, 80થી વધુ લેબર સાંસદોનો બળવો

જનતાએ વડાપ્રધાન સ્ટાર્મરના નેતૃત્વમાં વિશ્વાસ ગુમાવી દીધાનો અસંતુષ્ટોનો આરોપ, સત્તા હસ્તાંતરણનો સમય નક્કી કરવા માગ

Tuesday 12th May 2026 12:25 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ઐતિહાસિક કારમા પરાજય બાદ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરની ખુરશી જોખમમાં મૂકાઇ છે. અત્યાર સુધીમાં લેબર પાર્ટીના 80થી વધુ સાંસદોએ ખુલ્લેઆમ વડાપ્રધાનપદેથી સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે, જોકે કેબિનેટની બેઠક બાદ સ્ટાર્મરે રાજીનામુ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

લેબર પાર્ટીએ એવા ઇંગ્લેન્ડમાં દાયકાઓથી લેબર પાર્ટીનો ગઢ ગણાતા ઘણા કાઉન્સિલ વિસ્તારો ગુમાવ્યા છે.  સ્કોટલેન્ડમાં SNP સામે પરાજય અને વેલ્સમાં સત્તા ગુમાવવી એ પક્ષ માટે મોટો આંચકો માનવામાં આવે છે. રાજીનામાની માંગ કરનારાઓમાં માત્ર ડાબેરી વિચારધારાના સાંસદો જ નહીં, પરંતુ સ્ટાર્મરના અત્યાર સુધીના વફાદાર ગણાતા નેતાઓ પણ સામેલ છે. પક્ષના વરિષ્ઠ સાંસદોનું માનવું છે કે જનતાએ વડાપ્રધાન સ્ટાર્મરના નેતૃત્વમાં વિશ્વાસ ગુમાવ્યો છે અને હવે નવા નેતૃત્વ સાથે આગળ વધવાનો સમય આવી ગયો છે.

બળવાખોર સાંસદ એન્ડી મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે, આ પરિણામો લેબર પાર્ટી માટે વિનાશક છે. આપણે માત્ર ચહેરા બદલવાની જરૂર નથી, પણ નીતિઓમાં પણ ધરખમ ફેરફારની જરૂર છે. પૂર્વ મંત્રી જોશ  સિમોન્સે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ પક્ષ તેનું પ્રતિનિધિત્વ કરતા લોકોથી જ ડરવા લાગે ત્યારે તે પતન તરફ જાય છે. વડાપ્રધાન હવે દેશનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે.

અસંતુષ્ટ સાંસદો માંગ કરી રહ્યા છે કે વડાપ્રધાન સત્તાના હસ્તાંતરણ માટે ચોક્કસ સમયપત્રક જાહેર કરે  જેથી આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા પક્ષ નવેસરથી બેઠો થઈ શકે. સ્ટાર્મરના વિરોધમાં સામે આવી રહેલા સાંસદોની યાદીમાં હજુ પણ નવા નામો ઉમેરાઈ રહ્યા છે, જે સૂચવે છે કે આગામી દિવસોમાં સ્ટાર્મર માટે મુશ્કેલીઓ વધી શકે છે.

હોમ સેક્રેટરી શબાના માહમૂદે પણ ખુલ્લેઆમ વડાપ્રધાનને રાજીનામાની તારીખ જાહેર કરવા જણાવ્યું છે.  જોકે, કેબિનેટના મોટાભાગના મંત્રીઓ હજુ પણ પીએમની પડખે છે, પરંતુ શબાના માહમૂદ જેવું કદાવર નામ વિરોધમાં આવતા સરકારની સ્થિરતા સામે સવાલો ઉભા થયા છે. 

આટલા મોટા વિરોધ વચ્ચે પણ સ્ટાર્મર મક્કમ દેખાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હું મારા પર શંકા કરનારાને ખોટા સાબિત કરીશ. હું સ્વીકારું છું કે મારી સરકારથી કેટલીક ભૂલો થઈ છે, પરંતુ મોટા રાજકીય નિર્ણયો હંમેશા સાચા લેવામાં આવ્યા છે. પદ છોડવું એ દેશને અરાજકતામાં ધકેલવા જેવું હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter