લંડનઃ સ્ટાર્મર સરકારને એક વર્ષ પુરું થયું છે ત્યારે બ્રિટિશ નાગરિકો તેની કામગીરી અંગે શું માને છે તે અંગે પોલસ્ટર ઓપિનિયમ દ્વારા કરાયેલા સરવેમાં જણાવવામાં આવ્યું હતું કે મોટા ભાગના બ્રિટિશ નાગરિકો માને છે કે સ્ટાર્મર સરકારની પ્રથમ વર્ષની કામગીરી બદતર રહી હતી.
સરવેમાં 54 ટકા લોકોએ જણાવ્યું હતું કે, સ્ટાર્મરની સરકાર નિષ્ફળ રહી છે. જ્યારે 37 ટકા નાગરિકો સરકારની કામગીરીથી સંતુષ્ટ હતા. ચૂંટણીમાં લેબર પાર્ટીને મત આપનારા 33 ટકાના મતે સરકારની કામગીરી ખરાબ રહી હતી.
29 ટકા લોકોએ જણાવ્યું હતું કે, અગાઉની ટોરી સરકાર લેબર સરકાર કરતાં સારી કામગીરી કરી રહી હતી. જ્યારે 26 ટકાનું માનવું છે કે લેબર સરકારની કામગીરી ટોરી સરકાર કરતાં સારી રહી છે.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરની લોકપ્રિયતામાં પણ ઘટાડો થયો છે. સ્ટાર્મરનું એપ્રુવલ રેટિંગ માઇનસ 35 ટકા, ટોરી લીડર કેમી બેડનોકનું રેટિંગ માઇનસ 24 ટકા અને રિફોર્મ યુકેના નાઇજલ ફરાજનું રેટિંગ માઇનસ 9 ટકા રહ્યું હતું.
પોલસ્ટર ઓપિનિયમના પોલિસી હેડ જેમ્સ ક્રાઉચે જણાવ્યું હતું કે, લેબર સરકારની એક વર્ષની કામગીરી પર જનતાનો મૂડ નિરાશાવાદી રહ્યો છે. બહુમતી મતદારો માને છે કે સરકાર અપેક્ષા કરતાં કામગીરીમાં ઊણી ઉતરી છે. બ્રિટનના પુનઃનિર્માણ માટે આપેલા વચનો પાળવાની દિશામાં સરકારે કોઇ નોંધપાત્ર પ્રગતિ કરી નથી.