લંડનઃ સર સ્ટાર્મરની લેબર સરકાર હવે યુ-ટર્ન સરકાર તરીકે પંકાઇ રહી છે. એક પછી એક નિર્ણયોમાં યુ-ટર્નની કડીમાં હવે વડાપ્રધાને વર્કર્સ માટે ફરજિયાત ડિજિટલ આઇડીની યોજના પડતી મૂકી દીધી છે. આ તેમના નેતૃત્વમાં સરકાર દ્વારા લેવાયેલો 13મો યુ ટર્ન છે. માઇગ્રેશન પર લગામ કસવા માટે આ પહેલાં વડાપ્રધાને જાહેરાત કરી હતી કે તેઓ રાઇટ ટુ વર્કની ચકાસણી માટે ડિજિટલ આઇડી ફરજિયાત કરશે.
હવે સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે 2029થી લાગુ થનારી ડિજિટલ આઇડી યોજના ફરજિયાત નહીં પરંતુ વૈકલ્પિક રહેશે. વર્કર્સ તેમની ઓળખની ચકાસણી માટે અન્ય દસ્તાવેજોનો પણ ઉપયોગ કરી શકશે. સરકારને ચિંતા હતી કે ડિજિટલ આઇડી ફરજિયાત કરવાથી જનતાનો યોજના પરનો વિશ્વાસ ઘટશે અને કેબિનેટમાં પણ બળવો થઇ શકે છે. વડાપ્રધાન સ્ટાર્મર હવે ડિજિટલ આઇડી સરળ બને તે માટે જન્મ, મરણ અને લગ્ન નોંધણી, બેન્ક ખાતા, મતદાન અને જીપીની એપોઇન્ટમેન્ટના બુકિંગની સેવાઓનો ઉપયોગ કરવા ઇચ્છે છે.
ડિજિટલ આઇડી યોજના પાછળ થનારો ખર્ચ પણ સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો હતો. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ જણાવ્યું હતું કે, યોજના પાછળ 3 વર્ષમાં 1.8 બિલિયન પાઉન્ડનો ખર્ચ થઇ શકે છે.


