લંડનઃ એપસ્ટિન ફાઇલ વિવાદ અને આંતરિક વિરોધના કારણે વડાપ્રધાન સ્ટાર્મરના રાજીનામા પર અટકળોએ વેગ પકડ્યો છે ત્યારે તેમના અનુગામી તરીકે હોમ સેક્રેટરી શબાના માહમૂદનું નામ ચર્ચાઇ રહ્યું છે. સ્ટાર્મર રાજીનામુ આપે તો માહમૂદ બ્રિટનના પ્રથમ મુસ્લિમ મહિલા વડાપ્રધાન બનીને ઇતિહાસ રચી શકે છે. શબાના મહમૂદનો જન્મ બર્મિંગહામમાં થયો હતો અને તેમનો પરિવાર મૂળ પાકિસ્તાનના મીરપુર સાથે સંબંધ ધરાવે છે. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે અને તેઓ વ્યવસાયે બેરિસ્ટર રહી ચૂક્યા છે. વર્ષ 2010માં તેઓ બ્રિટિશ સંસદમાં ચૂંટાયા હતા અને પ્રથમ મહિલા મુસ્લિમ સાંસદોમાંથી એક બન્યા હતા. તેઓ સ્ટાર્મરના નજીકના સાથી માનવામાં આવે છે અને પાર્ટીમાં જમણેરી વિચારધારા તરફ ઝુકાવ ધરાવે છે. ખાસ કરીને 2025માં હોમ ઓફિસ સંભાળ્યા બાદ તેમની રાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બની છે. શબાના મહમૂદની નીતિઓ, ખાસ કરીને ગેરકાયદેસર માઈગ્રેશન અંગેના તેમના કડક વલણે તેમને ચર્ચામાં રાખ્યા છે. અત્યારે રાજકીય વિશ્લેષકો તેમને વડાપ્રધાન પદની રેસમાં અગ્રેસર માની રહ્યા છે, જોકે પૂર્વ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનર, હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગ, ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ જેવા અન્ય નેતાઓ પણ આ રેસમાં સામેલ છે.


