લંડનઃ યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભારત અને યુકે વચ્ચેના આર્થિક સંબંધ વધુ મજબૂત બનાવવા અને મૂડીરોકાણની તકો ચકાસવા 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ભારતીય કંપનીઓના સીઇઓ અને મૂડીરોકાણકારો સાથે એક મુલાકાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન કોફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા કરાયું હતું. સ્ટાર્મરે કાર્યક્રમમાં ટેકનોલોજી, ડિફેન્સ, ક્લાઇમેટ ચેન્જ, હેલ્થ અને એજ્યુકેશન જેવા સેક્ટરોમાં ભારત અને યુકે વચ્ચે સહકારના તેમના મહત્વાકાંક્ષી વિઝનની ચર્ચા કરી હતી.
આ પ્રસંગે સ્ટાર્મરે જણાવ્યું હતું કે ભારત યુકે માટે મહત્વનો ભાગીદાર દેશ છે. બંને દેશ સાથે મળીને તકોને ખુલ્લી મૂકવા મહત્વાકાંક્ષી છે. બંને દેશ સંબંધોને વધુ મજબૂત બનાવવા માગે છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ભારતના સીનિયર બિઝનેસ લીડર્સને આમંત્રીને હું ઘણો ખુશ છું.
યુકેના બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, યુકે ભારતીય બિઝનેસોને અસામાન્ય તકો ઉપલબ્ધ કરાવે છે. અમે ભારત સાથે વેપાર અને મૂડીરોકાણના સંબંધો વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છીએ.
ભારતીય બિઝનેસમેનનું પ્રતિનિધિત્વ કરનાર સુનિલ ભારતી મિત્તલ કેબીઇએ જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પર ચાલી રહેલી ચર્ચાઓ પરસ્પરના વિકાસ માટે મહત્વની તકો રજૂ કરે છે. 2027 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા જઇ રહ્યો છે તેવા સમયે જ આ પ્રતિનિધિમંડળ અહીં આવ્યું છે.


