લંડનઃ લેબર સરકારની લોકપ્રિયતા સાવ તળિયે બેઠી છે ત્યારે નેટિઝન્સ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકને પરત ફરવા અપીલ કરી રહ્યાં છે. સુનાકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોટી સંખ્યામાં લોકો કમ બેકના મેસેજ પોસ્ટ કરી રહ્યાં છે. રિશી સુનાક સાંસદ તો છે પરંતુ જુલાઇ 2024માં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદેથી રાજીનામુ આપ્યા બાદ પરદા પાછળ ચાલ્યા ગયા છે. હાલ તેઓ ગોલ્ડમેન સાશ સાથે સીનિયર એડવાઇઝર તરીકે કામગીરી કરી રહ્યાં છે.
રિશી સુનાકે ગયા સપ્તાહમાં વેન્સલીડેલ શોમાં ભાગ લીધો હતો અને તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં હતાં. આ પોસ્ટ વાઇરલ બની હતી અને તેમાં કરાયેલા મોટાભાગના મેસેજમાં સુનાકને પરત ફરવા અપીલ કરાઇ હતી. કેટલાક મેસેજમાં એમ લખવામાં આવ્યું હતું કે, રિશી સુનાક પાછા આવી જાવ. તમે સાચા હતા. યુકેને તમારી જરૂર છે.
તાજેતરમાં કરાયેલા એક સરવે અનુસાર સ્ટાર્મર સરકારની તરફેણમાં ફક્ત 20 ટકા મત પડ્યાં હતાં. જુલાઇ 2024માં યોજાયેલી સંસદની ચૂંટણી બાદ સ્ટાર્મર સરકારની લોકપ્રિયતાનું આ સૌથી નીચું સ્તર છે. આ સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટીને 17 ટકા મત હાંસલ થયાં હતાં. નાઇજલ ફરાજની રિફોર્મ યુકે 28 ટકા મત સાથે ટોચ પર રહી હતી. રિફોર્મ યુકેની વધતી લોકપ્રિયતા મધ્યે સ્ટાર્મર સામે પાર્ટીમાંથી જ પડકારો વધી રહ્યાં છે.


