લંડનઃ પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મર રિફોર્મ યુકે પાર્ટીની ધમકીનો સામનો કરવામાં લેબર પાર્ટીને મદદ મળે તે માટે ‘લેવલિંગ અપ’ સ્ટાઈલના હાઈ સ્ટ્રીટ રિજનરેશન ઈનિશિયેટિવ એટલે કે ‘પ્રાઈડ ઈન પ્લેસ’ યોજનાને આગળ વધારી રહ્યા છે. તેમની યોજના મુજબ 3.4 બિલિયન પાઉન્ડના નવા ફંડમાંથી યુકેના મોટા ભાગે કોસ્ટલ કોમ્યુનિટીઝ નેબરહૂડ્ઝ સાથેના 330 વંચિત વિસ્તારોને લાખો પાઉન્ડની ફાળવણી કરવામાં આવશે. વંચિત કોમ્યુનિટીઓને જીર્ણ કે ત્યજાયેલી શોપ્સ, બંધ યુથ ક્લબ્સ, પબ્સ અને લાઈબ્રેરીઝના સમારકામ માટે લાખો પાઉન્ડની રોકડ મદદ અપાશે તેમજ તેમની હાઈ સ્ટ્રીટ્સ પર ક્યા બિઝનેસીસ સ્થાપી શકાશે તેને નિર્ણય લેવાની નવી સત્તા પણ અપાશે.
સ્થાનિક કોમ્યુનિટીઓની ખરાબ હાલતના કારણે મતદારોમાં રોષ છે અને રિફોર્મ યુકે પાર્ટી તેમને ભડકાવી આગળ વધી રહી હોવાનું માનતા પ્રાઈમ મિનિસ્ટરે જણાવ્યું હતું કે રિજનરેશન લેબર પાર્ટીનો પોલિસી પ્રતિભાવ છે. લોકો પાસે પોતાની કોમ્યુનિટીની સમસ્યાઓનો જવાબ છે અને હવે તેમની પાસે આગવાં સાધનો પણ હશે, તેઓ જ્યાં રહે છે તેના ગૌરવને પોતાની શરતોએ પુનઃસ્થાપિત કરી શકે તેવી સત્તા પણ હશે. સરકાર દ્વારા લવાનારા નવા કાયદા હેઠળ સ્થાનિક સત્તામંડળો બૂકમેકર્સ સહિત ગેમ્બલિંગ બિઝનેસીસ, વેપ શોપ્સ, બનાવટી બાર્બર શોપ્સને હાઈ સ્ટ્રીટ્સ પર કામ કરતા અટકાવી શકશે. કોસ્ટલ કોમ્યુનિટીઝ, અગાઉના કોલફીલ્ડ્સ અને માર્કેટ ટાઉન્સના આ વિસ્તારોમાં ઘણાએ લાઈબ્રેરીઝ, પોસ્ટ ઓફિસીસ, યુથ સેન્ટર્સ અને પબ્સની સુવિધાઓ ગુમાવી છે. આ વિસ્તારોએ બ્રેક્ઝિટની તરફેણમાં ભારે મતદાન કર્યું હતુ અને હાલ રિફોર્મ યુકેનું મજબૂત પરફોર્મન્સ દેખાય છે.
બીજી તરફ, પોલ્સમાં 10 પોઈન્ટની સરસાઈ હાંસલ કરવામાં નાઈજેલ ફરાજની રિફોર્મ યુકે પાર્ટીને અટકાવવામાં નિષ્ફળતાના આક્ષેપો કરનારા ગ્રેટર માન્ચેસ્ટરના મેયર અને લેબરનેતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકેલા એન્ડી બર્નહામ સહિત પક્ષમાં અને બહારના ટીકાકારો સામે લડાઈનો પણ આ એક હિસ્સો છે. લેબરનેતા તરીકે સ્ટાર્મર માટે લિવરપૂલ કોન્ફરન્સ સૌથી મુશ્કેલ બની રહેવાની છે. સરકાર અંગે પોતાની વ્યૂહરચના કેટલી ફળદાયી બની રહેશે તે દર્શાવવાનું ભારે દબાણ સ્ટાર્મર પર છે. બર્નહામે લેબર પાર્ટીના અસ્તિત્વ સામે ખતરો છે અને દેશને ધરમૂળ પરિવર્તનની જરૂર હોવાનું પણ જાહેરમાં કહ્યું છે.


