લંડનઃ છેલ્લા 37 વર્ષથી બ્રિટનના ટોચના અમીરોમાં સ્થાન મેળવનારા ભારતીય મૂળના સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ પણ હવે વધી રહેલા કરવેરાને ધ્યાનમાં લેતાં બ્રિટન છોડીને દુબઇ સ્થળાંતર કરી જવાની તૈયારી કરી રહ્યાં છે. મિત્તલના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે, જે રીતે લેબર સરકાર અમીરોને નિશાન બનાવી રહી છે, લક્ષ્મી મિત્તલે યુકે છોડી જવાનું મન બનાવી લીધું છે.
લક્ષ્મી મિત્તલ કરપાત્રતા માટે સ્વિત્ઝર્લેન્ડના વતની છે અને તેઓ તેમના આગામી વર્ષો દુબઇમાં વિતાવશે. દુબઇમાં મિત્તલ એક આલિશાન મેન્શનની માલિકી ધરાવે છે. ચાન્સેલર રેચલ રીવ્ઝ તેમનું બીજુ બજેટ રજૂ કરે તેના થોડા દિવસો પહેલાં જ મિત્તલનું સ્થળાંતર નિશ્ચિત બન્યું છે.
એપ્રિલમાં રેચલ રીવ્ઝે નોન ડોમ સ્ટેટસ નાબૂદ કર્યું ત્યારે જ મિત્તલની વિદાય નિશ્ચિત બની ગઇ હતી. મિત્તલના સલાહકારો પૈકીના એકે જણાવ્યું હતું કે, મુખ્ય મુદ્દો ઇનહેરિટન્સ ટેક્સનો છે. વિદેશથી યુકેમાં સ્થાયી થયેલા ઘણા અમીરો એ સમજી શક્તાં નથી કે વિશ્વમાં અન્ય સ્થળો ખાતે આવેલી તેમની સંપત્તિ પર તેમણે યુકેની સરકારને ઇનહેરિટન્સ ટેક્સ શા માટે ચૂકવવો જોઇએ. આ સ્થિતિમાં તેમની પાસે યુકેથી સ્થળાંતર કરી જવા સિવાય અન્ય કોઇ વિકલ્પ બાકી રહેતો નથી.
યુકેમાં ઇનહેરિટન્સ ટેક્સ પેટે 40 ટકાની વસૂલાત કરાય છે જ્યારે દુબઇમાં ઇનહેરિટન્સ ટેક્સ નથી. સ્વિત્ઝર્લેન્ડમાં પણ માતાપિતા તરફથી વારસામાં મળેલી વારસામાં મળેલી સંપત્તિ પર ટેક્સ ચૂકવવો પડતો નથી. માર્ચ મહિનાથી જ સુનિલ મિત્તલે વિદેશમાં સ્થળાંતરના વિકલ્પો ચકાસવાનું શરૂ કરી દીધું હતું.

