સ્ટુડન્ટ લોન બુકનું વેચાણ શરુ

Wednesday 08th February 2017 06:05 EST
 
 

લંડનઃ સરકારે સ્ટુડન્ટ લોન બુકનું વિવાદાસ્પદ વેચાણ શરુ કરી દીધું છે, જેનાથી સરકારી તિજોરીને લાંબા ગાળે ૧૨ બિલિયન પાઉન્ડની આવક થવાની ધારણા છે. યુનિવર્સિટીઝ મિનિસ્ટર જો જ્હોનસને સ્પષ્ટતા કરી છે કે વેચાણ પછી પણ ટર્મ્સ અને કંડિશન્સમાં કોઈ ફેરફાર થવાનો ન હોવાથી આ પગલાંથી લોન ચુકવતા કરજદાર વિદ્યાર્થીઓને કોઈ અસર નહિ થાય કે ગ્રેજ્યુએટ્સે વધુ નાણા ચુકવવા નહિ પડે. આ વેચાણમાં લોન્સ અને કલેકશનની જવાબદારી સ્ટુડન્ટ લોન્સ કંપની સંભાળશે.

પાર્લામેન્ટ સમક્ષ લેખિત નિવેદનમાં મિનિસ્ટર જ્હોન્સને જણાવ્યું હતું કે સરકાર પબ્લિક ફાઈનાન્સીસને અંકુશ હેઠળ લાવવા અને બજેટને સંતુલિત કરવા માટે કટિબદ્ધ છે. જોકે, ટીકાકારો આ ખાતરી અંગે શંકાશીલ છે કારણકે સરકારે અગાઉ સ્ટુડન્ટ લોન રીપેમેન્ટ્સ મુદ્દે પીછેહઠ કરી હતી. બીજી તરફ, આ વેચાણથી કરદાતાઓ માટે નાણા ઉભા થઈ શકશે તે વિશે પણ શંકા ઉઠાવાઈ છે. સ્ટુડન્ટ લોન બુક વેચાણમાં ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન રીપેમેન્ટ માટે યોગ્ય બનેલી ૪ બિલિયન પાઉન્ડની લોન્સને આવરી લેવાઈ છે.

યુનિવર્સિટી ટ્યુશન ફી વધારીને ૯,૦૦૦ પાઉન્ડ કરાઈ તે વર્ષ ૨૦૧૨ પહેલા ઈસ્યુ કરાયેલી લોન્સના વેચાણના ચાર વર્ષીય કાર્યક્રમનું આ પ્રથમ વેચાણ છે. અગાઉ, ૨૦૧૪માં તત્કાલીન બિઝનેસ સેક્રેટરી વિન્સ કેબલે સરકારી ઋણ ઘટાડવાનો કન્ઝર્વેટિવ- લિબ ડેમ ગઠબંધનનો હેતુ પાર નહિ પડે તેમ જણાવી લોનબુક વેચાણની યોજના રદ કરી હતી. આની અગાઉ, ૧૯૯૮ પહેલાની સ્ટુડન્ટ લોન બુકનું વેચાણ ખાનગી કંપની એરુડિઓને કરાયું હતું. જેની વહીવટી ખામીના કારણે સંખ્યાબંધ કરજદારોએ ગંભીર સમસ્યાઓ સહન કરવી પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter