લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર યુકેમાં કામ કરવા માટે સ્ટુડન્ટ વિઝાનો પાછલા બારણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્ટુડન્ટ વિઝા પર આવેલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડીને વર્કફોર્સમાં સામેલ થઇ રહ્યાં છે. તેમની સંખ્યામાં પાચ ગણો વધારો થયો છે.
2024માં 50 ટકા નોન-ઇયુ સ્ટુડન્ટ અને તેમના આશ્રિતે વર્ક અથવા અન્ય વિઝા પ્રાપ્ત કરી લીધાં હતાં. 3 વર્ષ અગાઉ આ રીતે વિઝા સ્વિચ કરનારા લોકોની સંખ્યા ફક્ત 10 ટકા હતી. 2023માં યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર આવેલા પૈકીના 47 ટકા એટલે કે 1,94,300 વિદેશી વિદ્યાર્થીઓએ વિઝા સ્વીચ કરીને વર્ક વિઝા હાંસલ કરી લીધો હતો. યુકેમાં પરમેનેન્ટ રેસિડેન્સી હાંસલ કરવા માટે વર્ક વિઝા સંભવિત રાઉટ છે.
વર્ક વિઝા હાંસલ કરનારા પૈકીના 50 ટકાએ તો સોશિયલ કેર સેક્ટરમાં જોબ હાંસલ કરી લીધી હતી કારણ કે યુકેમાં સોશિયલ કેર સેક્ટરમાં હજુ 1,50,000 જગ્યા ખાલી છે.
જૂન 2023માં પૂરા થયેલા એક વર્ષમાં નેટ માઇગ્રેશન 9,06,000ની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયું હતું. અગાઉની સુનાક સરકાર દ્વારા આકરાં પગલાં લેવાતાં જૂન 2023 પછી નેટ માઇગ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2024માં પૂરા થયેલા એક વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

