લંડન
આ વર્ષે બ્રિટનમાં આવતા વિદેશી નાગરિકોની સંખ્યા રેકોર્ડ પાંચ લાખની સપાટીને પાર કરી જતાં રિશી સુનાક વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા વિચારણા કરી રહ્યાં છે. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓને ઓછી ગુણવત્તા ધરાવતા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા અટકાવવામાં આવશે. તે ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓને તેમના પરિવારને બ્રિટનમાં લાવતા અટકાવવાની યોજના પર પણ વિચારણા ચાલી રહી છે. જેથી કુલ માઇગ્રેશન ઘટાડી શકાય. તેનો અર્થ એ થયો કે બ્રિટનની ટોચની યુનિવર્સિટીમાં ટોચના અભ્યાસક્રમમાં પ્રવેશ નહીં મળે ત્યાં સુધી વિદેશી વિદ્યાર્થીને સ્ટુડન્ટ વિઝા જારી કરાશે નહીં. છેલ્લા એક વર્ષમાં ડિપેન્ડન્ટની સંખ્યામાં 3 ગણો વધારો થયો હોવાથી વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા લવાતા પરિવારના સભ્યોની સંખ્યા પર પણ નિયંત્રણ લદાશે.
વડાપ્રધાન રિશી સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સરકાર વિદેશી નાગરિકોના કુલ માઇગ્રેશનને ઘટાડવા તમામ વિકલ્પો પર વિચારણા કરી રહી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર જૂન સુધીના એક વર્ષમાં કુલ માઇગ્રેશનની સંખ્યા 1.1 મિલિયન પર પહોંચી જવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં 5,60,000 વિદેશી નાગરિકો બ્રિટન આવી પહોચ્યા છે. છેલ્લા 12 મહિનામાં નેટ માઇગ્રેશન 5,04,000ને વટાવી ગયું છે. જે આની અગાઉના 12 મહિનામાં થયેલા 2,39,000ના માઇગ્રેશન કરતાં બમણું છે. માર્ચ 2015માં બ્રેક્ઝિટ પહેલાં નેટ માઇગ્રેશન 3,36,000 રહ્યું હતું. આ આંકડા વડાપ્રધાન રિશી સુનાક અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન પર માઇગ્રેશનમાં ઘટાડો કરવા દબાણ વધારી રહ્યાં છે.
સપ્ટેમ્બર 2022 સુધીના છેલ્લા 12 મહિનામાં બ્રિટન દ્વારા રેકોર્ડ 4,76,000 સ્ટુડન્ટ વિઝા જારી કરાયા હતા. 2019ના વર્ષ કરતાં આ આંકડામાં 76 ટકાનો વધારો થયો છે.
સૌથી વધુ સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝા ભારતીયોને જારી કરાયાં
આ વર્ષે સ્ટુડન્ટ વિઝા પ્રાપ્ત કરવામાં ભારતીયોએ ચીની વિદ્યાર્થીઓને પાછળ પાડી દીધાં હતાં. પહેલીવાર સૌથી વધુ સ્ટુડન્ટ વિઝા ભારતીયોને જારી કરાયાં હતાં. નાઇજિરિયન વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટો વધારો આ વર્ષે નોંધાયો હતો. સ્ટુડન્ટ વિઝા પર આવતા વિદેશી નાગરિકો બ્રિટનમાં લાંબા ગાળાના ઇમિગ્રેશનમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. સપ્ટેમ્બર 2022માં પૂરા થયેલા વર્ષમાં 1,27,731 ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા અને 56042 ભારતીયોને વર્ક વિઝા જારી કરાયા હતા. ભારતીયોને જારી કરાયેલા સ્ટુડન્ટ વિઝામાં 273 ટકા અને વર્ક વિઝામાં 90 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
વધી રહેલા નેટ માઇગ્રેશન સામે ટોરી સાંસદોએ બાંયો ચડાવી
દેશમાં વધી રહેલા નેટ માઇગ્રેશન સામે ટોરી સાંસદોએ બાંયો ચડાવી લીધી છે. 20 સાંસદોએ વડાપ્રધાન રિશી સુનાકને બ્રિટનમાં આવતા વિદેશી નાગરિકોની સંખ્યા ઘટાડવાની માગ કરતો પત્ર પાઠવ્યો છે. સર જ્હોન હેયસના નેતૃત્વમાં આ સાંસદોએ વર્ક અને સ્ટુડન્ટ વિઝા સિસ્ટમ વધુ આકરી બનાવવાની માગ કરી છે. સર જ્હોને જણાવ્યું હતું કે, વિદેશી નાગરિકોનો ધસારો બ્રિટનના પર્યાવરણ, હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર દબાણ સર્જી રહ્યો છે અને સ્થાનિક કામદારોની નોકરીઓ છીનવી રહ્યો છે.
સ્ટુડન્ટ વિઝામાં ઘટાડો કરાશે તો બ્રિટિશ યુનિવર્સિટીઓ નાદાર થઇ જશે
ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા સ્ટુડન્ટ વિઝા પર કાતર ફેરવવાની યોજનાના કારણે બ્રિટનની યુનિવર્સિટીઓ નાદારીના આરે પહોંચી જશે તેવી ચેતવણી રિશી સુનાકને આપવામાં આવી છે. સરકારની માઇગ્રેશન કમિટીના અધ્યક્ષ પ્રોફેસર બ્રાયન બેલે જણાવ્યું છે કે સ્ટુડન્ટ વિઝામાં ઘટાડો કરવાના કારણે ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે છે. તેના કારણે સમગ્ર બ્રિટનમાં આવેલી યુનિવર્સિટીઓને નુકસાન થશે. ઘણી યુનિવર્સિટીઓ બંધ થવાના આરે પહોંચી શકે છે. જો સ્ટુડન્ટ વિઝામાં ઘટાડો કરાશે તો બ્રિટિશ વિદ્યાર્થીઓને વધુ ફી ચૂકવવાની નોબત આવી શકે છે. સરકારના આ નિર્ણયના કારણે યુનિવર્સિટીઓ નાદાર પણ થઇ શકે છે. ઘણી યુનિવર્સિટીઓ મોટાભાગના અભ્યાસક્રમોમાં ખોટ ખાઇને બ્રિટિશ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે અને આ ખોટની ભરપાઇ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાતી ફી દ્વારા કરાય છે. જો વિદેશી વિદ્યાર્થીઓમાં કાપ મૂકાશે તો યુનિવર્સિટીઓના અસ્તિત્વ સામે જ જોખમ સર્જાઇ શકે છે.
વિદેશી વિદ્યાર્થીઓના મામલામાં બ્રિટન અમેરિકા જેવી નીતિ અપનાવે – થિન્ક ટેન્ક
બ્રિટનની એક થિન્ક ટેન્કે જણાવ્યું હતું કે, બ્રિટને અમેરિકાની જેમ વિદેશી વિદ્યાર્થીઓને ઇમિગ્રેશનના આંકડામાંથી બાકાત રાખવાની નીતિ અપનાવવી જોઇએ. પોલિસી એક્સચેન્જ દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બ્રિટનમાં હંગામી સમય માટે આવતા હોય છે અને ઇમિગ્રેશનના આંકડામાં તેના કારણે કૃત્રિમ વધારો થતો રહે છે. જો તેઓ સ્ટુડન્ટ વિઝામાંથી અન્ય કોઇ વિઝા સ્કીમમાં સ્વીચ થાય તો તેમની ગણતરી ઇમિગ્રેશનના આંકડામાં કરવી જોઇએ.


