લંડનઃ હોમ ઓફિસે વિઝા નિયમોમાં મોટા સુધારાની જાહેરાત કરી છે. નવા નિયમો હેઠળ જો કોઈ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ડ્રોપ-આઉટ રેટ વધુ જણાશે અને વિઝાના દુરુપયોગની આશંકા ઊભી થશે તો તે યુનિવર્સિટીનો વિદેશી વિદ્યાર્થીઓને રિક્રુટ કરવાનો અધિકાર રદ છીનવી લેવાશે. સરકારનો મુખ્ય હેતુ સ્ટડી વિઝાનો ઉપયોગ બ્રિટનમાં અસાયલમ મેળવવા માટે કરનારા વિદેશી નાગરિકો પર સકંજો કસવાનો છે.
નવા સ્પોન્સરશિપ નિયમો અનુસાર યુનિવર્સિટીઓએ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછો 90 ટકા કોર્સ કમ્પ્લીશન રેટ અને 95 ટકા કોર્સ એનરોલમેન્ટ રેટ જાળવવો અનિવાર્ય રહેશે. આ ઉપરાંત, વર્ષ 2027ના સમરથી યુનિવર્સિટીઓ માટે એક ટ્રાફિક લાઈટ રેટિંગ સિસ્ટમ અમલમાં મૂકાશે. આ સિસ્ટમ હેઠળ રેડ રેટિંગ મેળવનારી યુનિવર્સિટીઓ પર વિદ્યાર્થીઓની ભરતી કરવા અંગે નિયંત્રણો લાદવામાં આવશે. આવી યુનિવર્સિટીઓએ પોતાના ખર્ચે 12 મહિનાનો એક્શન પ્લાન ચલાવવો પડશે. જો નિર્ધારિત સમયમાં સ્થિતિમાં સુધારો નહીં થાય, તો તેઓએ કાયમી ધોરણે પોતાની સ્પોન્સરશિપ ગુમાવવી પડી શકે છે.
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ફીમાં જંગી વધારો કરવાની તૈયારી
ઇંગ્લેન્ડની ટોચની યુનિવર્સિટીઓ દ્વારા આગામી ચાર વર્ષમાં આંતરરાષ્ટ્રીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની ફીમાં 29 ટકા સુધીનો વધારો કરવાની યોજના ઘડવામાં આવી છે. આ યોજના હેઠળ વર્તમાન વર્ષે ઓટમથી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ શરૂ કરનારા વિદેશી વિદ્યાર્થીઓએ ડિગ્રી પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા 4,50,000 પાઉન્ડ ચૂકવવા પડશે.

