સ્ટેચ્યૂ ઓફ યુનિટી યુકે એવોર્ડ માટે શોર્ટલિસ્ટ

Wednesday 07th August 2019 02:54 EDT
 
 

લંડન, ગાંધીનગરઃ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વભરમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને યુ.કે.ની ઇન્સ્ટિટ્યૂટશન ઓફ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ (IStructE) દ્વારા પ્રતિષ્ઠિત ‘ધ સ્ટ્રકચરલ એવોર્ડ-૨૦૧૯’ માટે શોર્ટલિસ્ટ કરાઈ છે. એવોર્ડની સત્તાવાર જાહેરાત લંડનમાં આયોજિત સમારોહમાં ૧૫મી નવેમ્બરે થશે. જો ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ એવોર્ડ જીતશે તો તે સિડની ઓપેરા હાઉસ, સેવર્ન બ્રિજ જેવા સ્થાપત્યોની હરોળમાં આવી જશે. સંસ્થાની વેબસાઇટ અનુસાર આ સ્પર્ધામાં સ્થાપત્યોની વિવિધ કેટેગરીમાં વિશ્વના ૪૯ સ્ટ્રકચરે ભાગ લીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૧૮૨ મીટર ઊંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાતના કેવડિયાસ્થિત સૌથી ઊંચી પ્રતિમાની ડિઝાઈન રામ સુતાર દ્વારા કરવામાં આવી છે અને તેનું નિર્માણ લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા કરાયું છે. પ્રતિમાની ૧૫૦ મીટરની ઊંચાઈએ વ્યૂઈંગ ગેલેરી છે જ્યાંથી દર્શકો સરદાર સરોવર બંધ અને તેની આસપાસના રમણીય વિસ્તારનું દર્શન કરી શકે છે.

નિર્ણાયક પેનલના વડા પ્રોફેસર ટિમ આઈબેલે જણાવ્યું હતું કે અમારા વ્યવસાયમાં ફરી એક વખત અસાધારણ ઈનોવેશન જોવાં મળ્યું છે. ૨૦૧૯ના શોર્ટલિસ્ટમાં વિશ્વના સ્ટ્રક્ચરલ એન્જિનીઅર્સની પ્રતિભા, સર્જનાત્મકતા અને કૌશલ્ય જોવાં મળ્યાં છે.’ નિર્ણાયકગણે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ વિશે જણાવ્યું હતું કે,‘ તેની ઊંચાઈ અને સ્થળના હિસાબે આ પ્રભાવશાળી સ્થાપત્ય છે. ડિઝાઈન લોડનું ઘડતર, યોગ્ય હેતુઓ માટે યોગ્ય સામગ્રીની પસંદગી અને ભૂસ્તરશાસ્ત્રની અચોક્કસતાઓ સહિતના પડકારોનો સામનો કરવામાં ઈજનેરો સામે મોટી કસોટીઓ આવે છે.’

ઇન્સ્ટિટ્યૂટશન ઓફ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ દ્વારા ગત બાવન વર્ષથી વિશિષ્ટ માળખાકીય સ્થાપત્યોને એવોર્ડ અપાય છે. આ એવોર્ડવિજેતા ભન્ય સ્થાપત્યોમાં ઓસ્ટ્રેલિયાના સિડની ઓપેરા હાઉસ, પેરિસમાં પોમ્પિદુ સેન્ટર અને ઈંગ્લેન્ડના સેવર્ન બ્રિજનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter