લંડનઃ સ્ટેટ પેન્શન વયમર્યાદામાં બદલાવને સંબંધિત સરકારી નિષ્ફળતાઓએ મોટી સંખ્યામાં મહિલાઓના જીવન બરબાદ થયાં હોવાથી તેમને વળતર ચૂકવવા અબજો પાઉન્ડની ફાળવણી કરવા વડાપ્રધાન રિશી સુનાકને અપીલ કરાઇ છે. એક ચોંકાવનારા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 1950ના દાયકામાં જન્મેલી અસરગ્રસ્ત મહિલાઓની માફી માગીને તેમને 1000થી 2950 પાઉન્ડની ચૂકવણી કરવામાં આવે. સ્ટેટ પેન્શન વયમર્યાદામાં બદલાવ બાદ તેઓ પેન્શન મેળવવા પાત્ર બને છે તેવી તેમને યોગ્ય રીતે જાણ કરાઇ નહોતી જેના કારણે તેમના રિટાયરમેન્ટ પ્લાન અંધાધૂંધીમાં સપડાઇ ગયાં હતાં.
પાર્લામેન્ટરી એન્ડ હેલ્થ સર્વિસ ઓબ્ડુસમેન દ્વારા જારી કરાયેલા 100 પાનાના રિપોર્ટમાં પેન્શનેબલ એજ 60થી વધારીને 65 વર્ષ કરવાના મામલામાં સરકાર દ્વારા કરાયેલી કાર્યવાહીની આકરી ટીકા કરાઇ છે. રિપોર્ટમાં આરોપ મૂકાયો છે કે સરકાર તેની ભૂલ સ્વીકારવામાં નિષ્ફળ રહી છે અથવા તો અસરગ્રસ્તોને રાહત આપી શકી નથી.
પરંતુ સરકારે પીડિતોને વળતર ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે. જો સરકાર દ્વારા ભલામણ કરાયેલ પેઆઉટની ચૂકવણી કરાય તો સરકાર પર 10.5 બિલિયન પાઉન્ડનો બોજો પડી શકે છે.

