સ્ટેટ પેન્શનમાં વધારા માટે શું કરશો?

Saturday 19th September 2015 07:21 EDT
 
 

લંડનઃ ઘણા લોકોને સરકારી પેન્શન માટે કોણ લાયક ગણાય, કેટલો ફાળો આપવો જોઈએ કે પેન્શનની રકમ કેટલી મળે તે સહિત સરકારી પેન્શન વિશે જાણકારી હોતી નથી. ઘણા લોકો પાછલી જિંદગીમાં તેમને મદદ મળે અથવા તેમની હયાતી ન હોય ત્યારે પરિવારને મદદ મળે તેવા હેતુસર પોતાના પગારમાંથી પેન્શન માટે દર મહિને લઘુતમ £૩૦ની કપાત કરાવે છે. બીજી તરફ, ધનવાનો સહિત ઘણા લોકો એવા છે, જેઓ પેન્શન યોજનાનો હિસ્સો બનવાનું પસંદ કરતા નથી.

સરકાર જે પુરુષનો જન્મ ૦૬ એપ્રિલ ૧૯૫૧ અગાઉ અને સ્ત્રીનો જન્મ ૦૬ એપ્રિલ ૧૯૫૩ અગાઉ થયો હોય તેમને સરકારી પેન્શનને ટોપ-અપ કરવા વધુ એક તક આપી રહી છે. આજીવન સરકારી પેન્શનમાં વધારો મેળવવા ઉચ્ચક બચતની રકમ અદલાબદલી કરવાની મર્યાદિત તક ૧૨ ઓક્ટોબર ૨૦૧૫ અને ૫ એપ્રિલ ૨૦૧૭ના સમયગાળા સુધી મળશે.

જો તમે ટોપ-અપ ખરીદવા માટે લાયક હશો તો વધુમાં વધુ £૨૩,૯૦૦ની રકમ ખર્ચી શકશો. ટોપ-અપ વિકલ્પ તમને વધારાના આજીવન સરકારી પેન્શનની થોડી વધુ રકમ મેળવી આપશે. જોકે, અન્ય વિકલ્પ પણ છે, જેમાં તમે ઘણા વર્ષો સુધી તમારું સરકારી પેન્શન મુલતવી રાખી તમારા અધિકાર (entitlement)ને વધારી શકો છો. સરકારી પેન્શન મુલતવી રાખવાનો અર્થ એ છે કે તમે ભવિષ્યમાં તેનો ક્લેઈમ કરવાનું શરૂ કરો ત્યારે ઘણી ઊંચી રકમનો દાવો કરશો.

બ્રિટનના પેન્શન નિષ્ણાતોમાંના એક એલન હિઘામ્સના જણાવ્યા અનુસાર,‘એપ્રિલ ૬, ૨૦૧૬ પહેલા સરકારી પેન્શન માટેની વયે પહોંચતા લોકો માટે તેમના પેન્શન મુલતવી રાખવાની શરતો ઘણી ઉદાર છે. અપેક્ષિત આયુષ્ય મર્યાદા ઘણી નીચી હતી ત્યારે આ શરતો સ્થાપિત કરાઈ હતી.’ તેમણે જણાવ્યું હતું કે,‘પેન્શન લેવાનો પ્રથમ અધિકાર હોય તેની સરખામણીએ હાનિલાભ સરભર કરવા માટે મુલતવી રખાયેલું પેન્શન ક્લેઈમ કરવાની શરૂઆત કરાયા પછીના નવ વર્ષથી થોડા વધુ જીવવાની જરૂર રહે છે. જે લોકો સરકારી પેન્શન મેળવતા હોય તેઓ પણ તે લેવાનું મુલતવી રાખી ઉદાર વધારાનો લાભ મેળવી શકે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter