લંડનઃ સ્ટેનમોરની અવંતિ હાઉસ સ્કૂલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અંગ્રેજી અને ગણિત વિષયના જીસીએસઈ પરિણામોમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે. શાળાના જણાવાયા અનુસાર 83.9% વિદ્યાર્થીઓએ બંને વિષયોમાં ગ્રેડ 5 કે તેથી વધુ ગુણ સાથે શાનદાર સફળતા પ્રાપ્ત કરી છે, જે ગત વર્ષના 73.9% ની સરખામણીએ મોટો ઉછાળો દર્શાવે છે. ઉપરાંત, 92.2% જેટલા વિદ્યાર્થીઓએ અંગ્રેજી અને ગણિતમાં ઓછામાં ઓછો ગ્રેડ 4 હાંસલ કર્યો છે. અગાઉ અવંતિ હાઉસ સ્કૂલે એ-લેવલની પરીક્ષાઓમાં પણ રેકોર્ડબ્રેક પરિણામ હાંસલ કર્યાં હતાં. જેમાં વિદ્યાર્થીઓએ 42.7% ગ્રેડ A* અથવા A હાંસલ કર્યા હતા. જીસીએસઇમાં આઠ વિષયોની કામગીરીનું મૂલ્યાંકન દર્શાવતો શાળાનો 'અટેનમેન્ટ 8' સ્કોર ગત વર્ષના 63.86 થી વધીને આ વર્ષે 65.36 થયો છે. વિદ્યાર્થીઓએ તમામ વિષયોમાં સરેરાશ 6.54 ગ્રેડ મેળવ્યો છે.


