સ્ટેફોર્ડશાયરના રુઝલી પાવર સ્ટેશનના કુલિંગ ટાવર ઇતિહાસમાં સમાયા

Tuesday 15th June 2021 08:51 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં સ્ટેફોર્ડશાયર ખાતેના ઐતિહાસિક રુઝલી પાવર સ્ટેશનના ચાર કુલિંગ ટાવરને ફક્ત પાંચ સેકન્ડના કંટ્રોલ એક્સપ્લોઝનમાં ધ્વસ્ત કરી દેવામાં આવતા ઇતિહાસના એક યુગનો અંત આવ્યો છે.

એફિલ ટાવરથી પણ વધારે ૩૮૪ ફૂટ ઊંચા આ ટાવર ૧૯૫૦ના દાયકાથી સ્ટેફોર્ડશાયરની શાન હતા. આ પાવર સ્ટેશને લાખ્ખો ઘરોને દાયકાઓ સુધી વીજળી પૂરી પાડી હતી. કોલસા આધારિત વીજળીનો વારસો ધરાવતા આ વિસ્તારની આ છેલ્લી ધરોહર હતી. હજારો લોકોએ આ ઐતિહાસિક વારસાને ધ્વસ્ત થતો જોયો હતો.
આ ચાર ટાવરનું બાંધકામ ૧૯૭૦માં પૂરું થયું હતું અને તે પહેલાં બનેલા રુઝલી-એ ટાવરોના સંકુલ સાથે જોડાયા હતા અને તે રુઝલી-બી તરીકે જાણીતા બન્યા હતા. રુઝલી-એના નેજા હેઠળ પાંચ ટાવર બન્યા હતા ત્યારે વિશ્વના સૌથી મોટા અને સૌપ્રથમ ડ્રાય કૂલિંગ ટાવર હતા.
૧૯૯૧માં લી હિલ કોલિયરી બંધ થતાં આ સ્ટેશનની પડતી શરૂ થઈ હતી. તેના પગલે ૧૯૯૪માં રુઝલી-એ કુલિંગ ટાવર બંધ કરી દેવાયું હતું. રુઝલી-એ કુલિંગ ટાવર ૧૯૯૬માં ધ્વસ્ત કરાયો ત્યાં સુધી તેના જીવનકાળમાં ૪ કરોડ ટન કોલસો બાળ્યો હતો. તેના પછી રુઝલી- બી ૨૦૧૬માં બંધ કરવામાં આવતા પાવર સ્ટેશન સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. પાવર સ્ટેશન બંધ થતાં ૧૫૦ કામદારોએ નોકરી ગુમાવી હતી.
૧૯૮૩માં તેની ઉત્પાદનક્ષમતા ટોચે હતી ત્યારે આ સ્ટેશન ૬૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતું હતું. બંને સાઈટ્સનું સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી જનરેટિંગ બોર્ડ દ્વારા થતું હતું. તેની ધ્વસ્ત કરાયેલી જગ્યાએ મકાનો બનાવવામાં આવશે. આમ મકાનોને વીજળી પૂરી પાડનાર સ્ટેશનના સ્થાને હવે મકાનો બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter