લંડન
લંડનની કિંગ્સ કોલેજ ખાતે ફરજ બજાવતા વૈજ્ઞાનિક ડો. સઇદ મિંયાએ કોલેજ સામે 50,000 પાઉન્ડનો દાવો માંડ્યો છે. કોલેજમાં પ્રયોગશાળાના વડા અધિકારીઓ દ્વારા તેમની પાસે વારંવાર પિપેટ દબાવવાનું કામ કરાવાતા તેમને ગંભીર શારીરિક સમસ્યાનો ભોગ બનવું પડ્યું હોવાનો આરોપ તેમણે મૂક્યો છે. સ્ટેમ સેલ નિષ્ણાત ડો. સઇદ મિંયાએ જણાવ્યું હતું કે, કલાકો સુધી પ્રયોગશાળામાં કામ કરવાના લીધે તેમના બંને હાથમાં અસહ્ય વેદના થઇ રહી છે. તેમણે દાવો કર્યો છે કે મારા નોકરીદાતા મારી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમણે કિંગ્સ કોલેજ પાસે 50,000 પાઉન્ડના વળતરની માગ કરી છે કારણ કે હવે તેઓના હાથ કોઇ પ્રકારનું કામ કરી શક્તાં નથી.
કિંગ્સ કોલેજે જણાવ્યું હતું કે, તેની ફરજમાં ચૂક થઇ છે પરંતુ ડો. મિંયાએ અમને સમયસર જાણ કરવાની જરૂર હતી કે તેઓ કામના સ્થળે પીડા અનુભવી રહ્યાં છે. અદાલતમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર આ શારીરિક પીડાનો પ્રારંભ થયો ત્યારે ડો. મિંયા સાઉથ લંડનમાં યુનિવર્સિટીના ડેન્માર્ક હિલ કેમ્પસમાં કામ કરી રહ્યાં હતાં.


