લંડનઃ પ્રોપર્ટી પર ઓછી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાના મામલામાં આખરે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનરને રાજીનામુ આપવાની ફરજ પડી છે. તેમનું રાજીનામુ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને લેબર સરકાર માટે મોટા ફટકા સમાન છે.
એક સ્વતંત્ર તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રોપર્ટી ખરીદતી વખતે રેયનરે તેમને અપાયેલી કાયદાકીય સલાહનું યોગ્ય પાલન કર્યું નહોતું. તેમને અપાયેલી ચેતવણીનું પાલન કરવામાં નિષ્ફળ જઇને તેમણે મિનિસ્ટરિયલ કોડનું ઉલ્લંઘન કર્યું હતું. રાજીનામામાં રેયનરે જણાવ્યું હતું કે, હું તપાસના તારણોનો સ્વીકાર કરું છું. તેના સંદર્ભમાં મેં રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે.
હાઉસિંગ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા રેયનરે કબૂલાત કરી હતી કે ફ્લેટની ખરીદી કરતા સમયે તેમણે યોગ્ય સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી કરી નહોતી. જોકે તેમણે આ માટે અયોગ્ય કાયદાકીય સલાહને જવાબદાર ગણાવી હતી. તેમણે મામલાને સુધારવા એચએમઆરસીનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું આઘાતમાં છું કારણ કે મને લાગતું હતું કે મેં તમામ કાર્યવાહી યોગ્ય રીતે કરી છે.
રેયનર પર હોવમાં ખરીદેલા ફ્લેટ પર 40,000 પાઉન્ડની સ્ટેમ્પ ડ્યુટી નહીં ચૂકવવાનો આરોપ મૂકાયો હતો. આ માટે તેમણે અન્ય પ્રોપર્ટીના દસ્તાવેજોમાંથી પોતાનું નામ હટાવડાવ્યું હતું.