સ્ટોર્મ ગોરેટ્ટીએ 159 કિમી પ્રતિ કલાકની ઝંઝાવતી સ્પીડે યુકેને ઘમરોળ્યો

દાયકાની ભીષણ હીમવર્ષા અને વરસાદ, 57,000 પ્રોપર્ટીમાં વીજળી ખોરવાઇ, પરિવહન સેવાઓ ખોરવાઇ, શાળાઓ બંધ રાખવાની ફરજ પડી, સેંકડો વૃક્ષનું નિકંદન

Tuesday 13th January 2026 10:01 EST
 
 

લંડનઃ ગયા સપ્તાહમાં સ્ટોર્મ ગોરેટ્ટીએ 159 કિમી પ્રતિ કલાકના ઝંઝાવાત, ભારે હીમવર્ષા અને વરસાદ સાથે સમગ્ર યુકેને ઘમરોળ્યો હતો. બરફના આ તોફાનના કારણે 57,000 પ્રોપર્ટીમાં વસતા લાખો લોકો વીજળી વિહોણા બની ગયાં હતાં. શુક્રવારે વહેલી સવારે સાઉથ-વેસ્ટ ઇંગ્લેન્ડમાં 43,800, વેસ્ટ મિડલેન્ડ્સમાં 16,000 અને વેલ્સમાં 462 પ્રોપર્ટી અંધારામાં ડૂબી ગઇ હતી. ગુરુવારે રાત્રે ઇંગ્લેન્ડની 65,000 પ્રોપર્ટીને વીજળી વિના જ રહેવું પડ્યું હતું.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આયલ્સ ઓફ સિલીમાં સેન્ટ મેરી એરપોર્ટ ખાતે પવનની ઝડપ 99 માઇલ પ્રતિ કલાક નોંધાઇ હતી. ચેનલ આઇલેન્ડસમાં 70 માઇલ પ્રતિ કલાક, લેન્ગડન બેમાં 55 માઇલ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 50 માઇલ પ્રતિ કલાક પવનની ઝડપ નોંધાઇ હતી. મિડલેનડ્સ, સધર્ન વેલ્સ અને નોટ્ટિંગહામમાં 7 સેમી સુધીની હીમવર્ષા થઇ હતી.

શુક્રવારે લંડનના હિથ્રો એરપોર્ટ પર બ્રિટિશ એરવેઝ દ્વારા 50 કરતાં વધુ ફ્લાઇટ રદ કરી દેવાઇ હતી. સમગ્ર બ્રિટનમાં સડકો પર વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો. ઝંઝાવતી પવનોના કારણે ઇંગ્લિશ ચેનલ પાર કરાવતી ફેરી સેવાઓ પણ સ્થગિત થઇ ગઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter