લંડનઃ બ્રિટનના વર્ષના સૌથી ખતરનાક ડેસમન્ડ વાવાઝોડાએ વીકએન્ડ દરમિયાન નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડ ઉપરાંત, ઉત્તર આયર્લેન્ડ, નોર્થ વેલ્સ અને દક્ષિણ સ્કોટલેન્ડના વિસ્તારોમાં ખાનાખરાબી સર્જી હતી. નોર્થ વેસ્ટમાં વિક્રમજનક વરસાદ થવાથી કાર્લાઈ જળબંબાકાર થઈ ગયું હતું. એપલબાય-ઈન-વેસ્ટમોરલેન્ડમાં એક દાયકા પછી આફત સર્જાઈ હતી અને લોકોને પૂરની ચેતવણી આપતી સાઈરન ન વાગતાં લોકોને સ્થળાંતર કરવાનો પૂરતો સમય મળ્યો ન હતો. ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં કુલ ૧૩૦ પૂર વોર્નિંગ અપાઈ હતી. એન્વાયરમેન્ટ એજન્સીએ ૮૦ માઈલ પ્રતિ કલાક ઝડપે પવનની અને ૮ ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી કરી હતી.
વીકએન્ડમાં ઉત્તર ઈંગ્લેન્ડના વિસ્તારોમા ડેસમન્ડ વાવાઝોડું ત્રાટક્યા પછી વીજવિહોણાં થયેલાં સંખ્યાબંધ ઘરમાં પુરવઠો ફરી ચાલુ કરી દેવાયો હતો. જોકે, ભારે વરસાદ પછી કમ્બ્રિઆ અને લેન્કેશાયરમાં સ્થિતિ પૂર્વવત થઈ ન હતી. લોકોને ઘર છોડી અન્યત્ર જવાની ફરજ પડી હતી. શાળાઓ બંધ રહી હતી અને કેટલીક હોસ્પિટલોમાં કામકાજ રદ કરાયા હતા. અત્યંત ખરાબના હવામાન કારણે બધી ફ્લાઇટ્સનું ઉતરાણ ડબલિન એરપોર્ટ પર કરાવાયું હતું અને મોટરચાલકોને બે દિવસ સુધી સમગ્ર બ્રિટનમાં ગંભીર વિલંબ થવાની ચેતવણી અપાઈ હતી. પૂરગ્રસ્ત ગ્લાસગોના માર્ગોમાં ઠેરઠેર અકસ્માતગ્રસ્ત અને ફસાયેલાં વાહનો દેખાતાં હતાં.
સ્ટોર્મ ડેસમન્ડથી કાર્લાઈમાં શહેરનું એક વીજ સબસ્ટેશન પાણીમાં ડુબવાની શક્યતાએ ૬૦,૦૦૦ લોકો સામે અંધારપટનો ખતરો મંડરાયો હતો, જ્યારે અન્ય સબસ્ટેશન પૂરના પાણીના કારણે કામ કરવાનું બંધ થવાથી ૧૦,૦૦૦થી વધુ ઘરમાં વીજપુરવઠો બંધ થઈ ગયો હતો. મહારાણીએ ટ્વિટર પર આફતગ્રસ્ત લોકો માટે સહાનુભૂતિ વ્યક્ત કરવા સાથે ઈમર્જન્સી સેવા, મિલિટરી, સ્થાનિક સત્તાઓ અને સ્વૈચ્છિક સહાયકોનો આભાર માન્યો હતો. વડા પ્રધાન ડેવિડ કેમરને સોમવારે પૂરગ્રસ્ત કાર્લાઈની મુલાકાત લઈ સરકાર કાઉન્સિલોને મદદ કરશે તેવી જાહેરાત કરી હતી.