સ્પીચ એડિટીંગ કાંડઃ બીબીસીએ ટ્રમ્પની જાહેર માફી માગી

ચેરમેન સમીર શાહે વ્હાઇટ હાઉસને અંગત પત્ર લખીને પણ ખેદ વ્યક્ત કર્યો, બદનક્ષીનો દાવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઇ આધાર નથીઃ સમીર શાહ

Tuesday 18th November 2025 09:47 EST
 
 

લંડનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 6 જાન્યુઆરી 2021ના રોજ આપેલી સ્પીચમાં કાપકૂપ કરી પેનોરામા સીરિઝમાં રજૂ કરવાથી સર્જાયેલા વિવાદ મુદ્દે બીબીસીએ અમેરિકી પ્રમુખની માફી માગી લીધી છે. બીબીસીના ચેરમેન સમીર શાહે વ્હાઇટ હાઉસને પાઠવેલી માફીમાં જણાવ્યું છે કે બીબીસી હવે ક્યારેય પેનોરામા સીરિઝનો કથિત એપિસોડ કોઇપણ સ્વરૂપમાં રજૂ નહીં કરે.

જોકે બીબીસીએ અમેરિકી પ્રમુખની વળતર પેટે 1થી 5 બિલિયન ડોલર ચૂકવવાની માગને ફગાવી દીધી છે. બીબીસીએ જણાવ્યું છે કે આ એક ભૂલ હતી અને અમે કોઇપણ પ્રકારના બદનક્ષીના દાવાને નકારી કાઢીએ છીએ. અમે સ્વીકારીએ છીએ કે ટ્રમ્પની સ્પીચમાં બિનઇરાદાપુર્વક કરાયેલી કાપકૂપને કારણે એવી છાપ ઊભી થઇ હતી કે અમે સ્પીચના કેટલાક ભાગ નહીં પરંતુ એક આખી સ્પીચ દર્શાવી રહ્યાં છે જેના કારણે ગેરસમજો ઊભી થઇ હતી અને ખોટો સંદેશ ગયો હતો કે ટ્રમ્પ તેમના સમર્થકોને હિંસા માટે ઉશ્કેરી રહ્યા છે. અમે વીડિયો ક્લિપ જે રીતે એડિટ કરાઇ તે અંગે ખરેખર ખેદ વ્યક્ત કરીએ છીએ પરંતુ તેનાથી બદનક્ષીના દાવાનો કોઇ આધાર બનતો નથી.

બીબીસીના ચેરમેન સમીર શાહે જણાવ્યું છે કે પેનોરામા માટે સ્પીચ એડિટ કરવા માટે બીબીસી સામે બદનક્ષીનો દાવો માંડવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઇ આધાર નથી. બીબીસીના કર્મચારીઓને પાઠવેલી નોંધમાં સમીર શાહે જણાવ્યું હતું કે, બીબીસી સામે કાયદાકીય પગલાં અંગે ઘણી અટકળો ચાલી રહી છે. આ બધા ઘટનાક્રમ મધ્યે આપણે આપણી લાયસન્સ ફી ચૂકવતા ગ્રાહકોનું રક્ષણ કરવાનું છે. સમીર શાહે જણાવ્યું હતું કે, હું તમને સ્પષ્ટ કહેવા માગુ છું કે અમારા વલણમાં કોઇ બદલાવ થયો નથી. બદનક્ષીના દાવાનો કોઇ આધાર જ નથી. અમે તેની સામે લડત આપવા પ્રતિબદ્ધ છીએ.

ટ્રમ્પ બીબીસી પર 1 થી 5 બિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો માંડશે

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સ્પીચ એડિટ કરવાના મામલામાં બીબીસીએ માફી માગી હોવા છતાં તેમણે બીબીસી પર 1 થી 5 બિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો કરવાની ધમકી ઉચ્ચારી છે. અમેરિકી પ્રમુખે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે આગામી સપ્તાહમાં ગમે તે સ્થળે બીબીસી પર બદનક્ષીનો દાવો માંડીશું. અમારે ખટલો દાખલ કરવો જ પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter