સ્પેરના પ્રકાશન બાદ પ્રિન્સ હેરીની લોકપ્રિયતા તળિયે બેઠી, પ્રિન્સ વિલિયમ સૌથી વધુ લોકપ્રિય

કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલાની લોકપ્રિયતામાં પણ 23થી 30 ટકાનો ઘટાડો

Wednesday 25th January 2023 06:26 EST
 
 

લંડન

સ્પેર પુસ્તકના પ્રકાશન બાદ ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીની લોકપ્રિયતામાં તોતિંગ ઘટાડો થયો છે. ઇપ્સોસ મોરી સરવે અનુસાર 2019માં પ્રિન્સ હેરીએ એક્ટિવ રાજવી તરીકેની કામગીરીથી પોતાને અળગા કર્યાં તે પહેલાં તેમની લોકપ્રિયતા 70 ટકા હતી જે હવે ઘટીને 23 ટકા પર આવી ગઇ છે. બ્રિટનમાં પ્રિન્સ હેરીના પુસ્તક સ્પેરની 7,50,000 નકલનું વેચાણ થયું છે.

બ્રિટનવાસીઓમાં આજે સૌથી વધુ લોકપ્રિયતા પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સની છે. જ્યારે 53 ટકા લોકોએ પ્રિન્સ હેરી અને 55 ટકા લોકોએ મેઘન મર્કેલ અંગે નકારાત્મક મંતવ્યો આપ્યા હતા. જોકે મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન અને પ્રિન્સ હેરીના પ્રકરણ બાદ રાજવી પરિવારની લોકપ્રિયતામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પ્રિન્સ વિલિયમની લોકપ્રિયતામાં 13 ટકાનો ઘટાડો થયો છે તેમ છતાં વર્તમાન સમયમાં 61 ટકા સાથે તેઓ સૌથી લોકપ્રિય રાજવી પરિવારના સભ્ય છે. પ્રિન્સ વિલિયમ બાદ 60 ટકા સાથે પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ આવે છે જોકે તેમની લોકપ્રિયતા પણ 13 ટકા ઘટી છે. કિંગ ચાર્લ્સ તૃતિયની લોકપ્રિયતામાં પણ 23 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. તેઓ 51 ટકા લોકપ્રિયતા ધરાવે છે. લોકપ્રિયતામાં સૌથી મોટો 53 ટકાનો ઘટાડો પ્રિન્સ હેરીએ જોયો છે. હાલ ફક્ત 23 ટકા લોકો જ તેમની તરફેણ કરી રહ્યાં છે. ક્વીન કોન્સોર્ટ કેમિલાની લોકપ્રિયતા પણ 30 ટકા ઘટીને 38 ટકા પર આવી ગઇ છે.

લોકપ્રિયતાની દ્રષ્ટિએ રાજવી પરિવારના સભ્યો

રાજવી – લોકપ્રિયતા – લોકપ્રિયતામાં ઘટાડો

પ્રિન્સ વિલિયમ – 61 ટકા – 13 ટકા

પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ – 60 ટકા – 13 ટકા

પ્રિન્સેસ એન – 60 ટકા – 10 ટકા

કિંગ ચાર્લ્સ તૃતિય – 51 ટકા – 23 ટકા

પ્રિન્સ એડવર્ડ – 42 ટકા – 16 ટકા

ક્વીન કોન્સોર્ટ કેમિલા – 38 ટકા – 30 ટકા

પ્રિન્સ હેરી – 23 ટકા – 53 ટકા

મેઘન મર્કેલ – 19 ટકા – 55 ટકા

પ્રિન્સ એન્ડ્રુ – 10 ટકા – 73 ટકા

સમગ્ર રાજવી પરિવાર – 53 ટકા – 22 ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter