ચાન્સેલર રાચેલ રીવ્ઝે સ્પ્રિંગ બજેટમાં યુનિવર્સલ ક્રેડિટ, PIPની પાત્રતાના નિયમોમાં ફેરફારો,બેનિફિટ સિસ્ટમમાં ભારે ખર્ચકાપ સહિતના વિવિધ મુદ્દાઓની જાહેરાતો કરી હતી. મોટા ભાગના લોકોને આ ફેરફારોની વિપરીત અસર થશે. ઈન્ફ્લેશન, વ્યાજદર અને મોર્ગેજ દરનું પ્રમાણ પણ ઊંચા થઈ જશે અને વૃદ્ધિદર આ વર્ષે ઘટવાની આગાહી પણ કરવામાં આવી છે. બીજી તરફ, અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પણ ટેરિફ્સ લાદવા ઉતાવળા થઈ રહ્યા છે જેની યુકેના અર્થતંત્ર પર નિશ્ચિત અસર થશે.
યુનિવર્સલ ક્રેડિટ કાપ અપેક્ષા કરતાં વધુ કઠોર
સ્પ્રિંગ સ્ટેટમેન્ટમાં કરાયેલી મહત્ત્વની જાહેરાત યુનિવર્સલ ક્રેડિટમાં ફેરફારોની હતી. બેનિફિટ્સ પર રહેતા 7.5 મિલિયન લોકોને યુનિવર્સલ ક્રેડિટ સ્ટાન્ડર્ડ એલાવન્સ 2025-26માં પ્રતિ સપ્તાહ 92 પાઉન્ડથી વધીને 2029-30 સુધીમાં પ્રતિ સપ્તાહ 106 પાઉન્ડ થશે. જોકે, યુનિવર્સલ ક્રેડિટમાં હેલ્થ એલિમેન્ટમાં 50 ટકાનો કાપ આવશે અને તે પછી નવા દાવેદારો માટે તેને સ્થગિત કરી દેવાશે. આનો અર્થ એ છે કે કામ અને કામ સંબંધિત પ્રવૃત્તિ કરવાની મર્યાદિત ક્ષમતા ધરાવતા લોકોને મળતી પ્રતિ માસ 416.19 પાઉન્ડની રકમ અડધોઅડધ કાપ સાથે 208.10 પાઉન્ડની થશે અને તમામ નવા દાવેદારો માટે આ લેવલે સ્થગિત કરી દેવાશે. સરકારને આ પગલાથી વાર્ષિક 4.8 બિલિયન પાઉન્ડથી વધુ બચત થશે તેમ OBRનો અંદાજ કહે છે.
PIPની પાત્રતાના નિયમોમાં બદલાવ
વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી લિઝ કેન્ડાલે અગાઉ બેનિફિટ સિસ્ટમમાં કેટલાક ફેરફાર થવા વિશેની જાહેરાત કરી હતી જેનાથી ટ્રેઝરીને 2029/30 સુધીમાં 5 બિલિયન પાઉન્ડ જેટલી બચત થશે. PIP (પર્સનલ ઈન્ડિપેન્ડન્સ પેમેન્ટ્સ) ની પાત્રતાના નિયમો વધુ કડક બનાવાયા છે. રીવ્ઝે કહ્યું હતું કે દરરોજ 1000થી વધુ લોકો PIP માટે ક્વોલિફાય થાય છે. જો તમે કામ કરી શકો તો તમારે કામ કરવું જ જોઈએ. આઠમાંથી એક યુવાન વ્યક્તિ એમ્પ્લોયમેન્ટ, એજ્યુકેશન અથવા ટ્રેનિંગમાં હોતી નથી.
વેલ્ફેર નિયમોમાં મહત્ત્વના સુધારા
જોબસીકર્સ એલાવન્સ (JSA)ને એમ્પ્લોયમેન્ટ સપોર્ટ એલાવન્સ (ESA) સાથે ભેળવી દેવાયું છે. નવી સિસ્ટમમાં જેમની પાસે કામકાજનો ઈતિહાસ નહિ હોય તેમની સરખામણીએ કામકાજનો ઈતિહાસ ધરાવનારા લોકોને ઊંચા પેમેન્ટ્સ મળશે. વર્ક કેપેબિલિટી એસેસમેન્ટ (WCA)ને 2028 સુધીમાં નાબૂદ કરી દેવાશે અને આરોગ્ય સંબંધિત ચૂકવણીઓને ભવિષ્યમાં PIP સાથે સાંકળી લેવાશે. અક્ષમ વ્યક્તિઓને રોજબરોજના કાર્યોમાં સપોર્ટ કરવા પાછળનો ખર્ચ 2029-30 સુધીમાં લગભગ બમણો થઈ 34 બિલિયન પાઉન્ડના આંકે પહોંચી જશે.
22 વર્ષથી ઓછી વયની વ્યક્તિ યુનિવર્સલ ક્રેડિટ હેઠળ અક્ષમતા બેનિફિટ્સનો ક્લેઈમ કરવા પ્રતિબંધિત રહેશે, PIP માટે લાયકાતની મર્યાદા ઊંચે લઈ જવાશે જેનાથી સરકારને વાર્ષિક 3.4 બિલિયન પાઉન્ડની બચત થશે અને ‘રાઈટ ટુ વર્ક ગેરંટી’ લોન્ચ કરવામાં આવશે જેનાથી બેરોજગાર વ્યક્તિઓ કામ પર પાછા ફરવા પ્રયાસ કરી શકે અને જો તે યોગ્ય ન જણાય તો બેનિફિટ્સ ગુમાવવા ન પડે.
ઈન્ફ્લેશન, વ્યાજદર અને મોર્ગેજ દરનું પ્રમાણ ઊંચુ રહેશે
OBRની આગાહી મુજબ ફૂગાવો બેન્ક ઓફ ઈંગ્લેન્ડના 2 ટકાના લક્ષ્યાંકને 2027 સુધીમાં પહોંચી શકશે નહિ. ફેબ્રુઆરી સુધીના વર્ષ સુધીમાં સામાન્ય ઘટાડો થઈ આંક 2.8 ટકા રહ્યો હતો જે જાન્યુઆરી સુધીના વર્ષમાં 3 ટકાનો હતો. ચાન્સેલરે જણાવ્યું છે કે 2025માં ફૂગાવાનો સરેરાશ આંક 3.2 ટકા રહેશે જ્યારે OBRની અગાઉની આગાહી 2.6 ટકાની હતી. ઈન્ફ્લેશનની ટકાવારી ઊંચી રહેવાનો અર્થ મકાનમાલિકો માટે ખરાબ સમચાર છે. વ્યાજના દર ઊંચા રહેવા સાથે મોર્ગેજના દર પણ ઊંચા રહેશે. હાલ તેનો બેઝ રેટ 4.5 ટકા છે જ્યારે બે વર્ષનો સરેરાશ ફિક્સ્ડ રેટ મોર્ગેજ 5.32 ટકાનો છે તેમજ સરેરાશ પાંચ વર્ષ માટે 5.18 ટકાનો છે.
40 વર્ષોમાં ઘરનિર્માણ સૌથી ઊંચા સ્તરે પહોંચશે
સ્પ્રિંગ સ્ટેટમેન્ટની અગાઉના દિવસે ચાન્સેલરે સોશિયલ અને એફોર્ડેબલ હાઊસિંગ માટે 2 બિલિયન ભંડોળની બાંહેધરી જાહેર કરી હતી. લેબર પાર્ટીએ આગામી પાંચ વર્ષ દરમિયાન 1.5 મિલિયન ઘર બાંધવાનું લોકપ્રિય વચન આપ્યું છે. યુકે સરકાર દ્વારા પ્લાનિંગ સુધારાઓ થકી 2029/30 સુધીમાં આ લક્ષ્ય નજીક પહોંચી શકાશે જે 40 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે હશે.
સ્પ્રિંગ સ્ટેટમેન્ટમાં આ જાહેરાતો કરાઈ નથી....
• ચાન્સેલર રીવ્ઝ શેર અને સ્ટોક્સમાં બચતોનું વધુ રોકાણ થાય તેને ઉત્તેજન આપવા કેશ ISA લિમિટવર્તમાન 20,000 પાઉન્ડની મર્યાદા ઘટાડી 4000 પાઉન્ડની કરશે તેવી ધારણા હતી પરંતુ, આની જાહેરાત કરાઈ નથી. જોકે, સરકાર ISA બાબતે વિકલ્પો વિચારી રહી હોવાની સ્પષ્ટતા અવશ્ય કરાઈ છે અને તે માટે ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી સાથે નવી સિસ્ટમ મુદ્દે કામ થઈ રહ્યું છે.
• પેન્શન્સને અસર કરી શકે તેવી નવી નીતિઓ જાહેર કરાવાની અટકળો હતી. ચાન્સેલર રીવ્ઝે પેન્શન્સને 2027થી ઈન્હેરિટન્સ ટેક્સ (IHT)ના સ્કોપમાં લવાશે તેવી જાહેરાત ઓટમ બજેટમાં કરી હતી. તેના પર કન્સલ્ટડેશન પણ કરાયું હતું પરંતુ, આ બજેટમાં તેની જાહેરાત થઈ નથી.
• નવા ટેક્સીસ વધારતી જાહેરાત થઈ નથી પરંતુ, નિષ્ણાતો અનુસાર 2025ના ઉત્તરાર્ધમાં તેની જાહેરાત ટાળી શકાય તેવી શક્યતા નથી.
OBR ની કેટલીક આગાહીઓ.......
• સરકારી એસેસમેન્ટમાં આગાહી કરાઈ છે કે વેલ્ફેર કાપના પરિણામે અંદાજે 250,000 લોકો ગરીબીમાં ધકેલાઈ જશે અને ત્રણ મિલિયન પરિવારોને વાર્ષિક સરેરાશ 1,720 પાઉન્ડનું નુકસાન થશે.
• આગામી ચાર વર્ષમાં 1.5 મિલિયન નવા ઘર બાંધવાના લક્ષ્યને પહોંચી વળવામાં મિનિસ્ટર્સ પાચળ રહી ગયા છે અને તાજા આંકડા અનુસાર તેમના લક્ષ્યાંકમાં 200,000 ઘરનું ગાબડું રહી જશે
• સરકારી વિભાગોએ આ દાયકાના અંત સુધીમાં રોજબરોજની બચત માટે વધુ 3.6 બિલિયન પાઉન્ડ ક્યાંથી મેળવી શકાય તેના ઉપાયો શોધવા પડશે.
• ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એન્જેલા દ્વારા વર્કર્સના અધિકારોમાં ધરમૂળ ફેરફારો કરાયા પછી રોજગારીના લેવલ્સ ઘટશે અને કિંમતોને ઊંચે લઈ જશે તેવી ચેતવણી ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ આપી છે.
• OBR ના જણાવ્યા મુજબ 2027ની મધ્ય સુધીમાં નેટ માઈગ્રેશન ઘટીને 258,000 સુધી પહોંચશે અને આર્થિક વૃદ્ધિને નીચે લઈ જવાનું કામ કરશે.
• ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ યુકે માટે આ વર્ષે તેનો વૃદ્ધિદરની આગાહી અડધી કરી નાખી છે એટલે કે બે ટકા નહિ પરંતુ, એક ટકાના દરે વૃદ્ધિ થશે. જોકે, ચાન્સેલર રીવ્ઝે આ આંકડા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
• ચાન્સેલરે વૃદ્ધિદર સ્થગિત થવા માટે યુક્રેનયુદ્ધ, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રેસિડેન્ટ પુટિન અને ટોરીઝને દોષિત ગણાવ્યા હતા.
એપ્રિલથી આ સુધારાવધારા અમલી થશે
• એપ્રિલ 2025થી મિનિમમ વેજ પણ વધી રહ્યા છે. 21 વર્ષ અને તેથી વધુ વયની વ્યક્તિ માટે નેશનલ લિવિંગ વેજ પ્રતિ કલાક 12.21 પાઉન્ડ થશે જ્યારે 18-20 વયજૂથના લોકો માટે નેશનલ મિનિમમ વેજ વધીને પ્રતિ કલાક 10 પાઉન્ડ થશે
• એમ્પ્લોયર્સ નેશનલ ઈન્સ્યુરન્સ કન્ટ્રિબ્યુશન્સમાં વધારો 6 એપ્રિલથી અમલી થઈ રહ્યો છે. આ દર હાલ 13.8 ટકાનો છે અને તે વધીને 15 ટકાનો થશે.