લંડનઃ અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહો નાના પડતા હોવાની તથા પૂરતી સુવિધા મળતી ન હોવાની ફરિયાદને પગલે ડિપાર્ટમેન્ટ ફોર કોમ્યુનિટિઝ અને લોકલ ગવર્નમેન્ટ દ્વારા સ્મશાનોમાં ઉપલબ્ધ સુવિધાની સમીક્ષા હાથ ધરાઈ છે. સ્મશાનો તમામ ધર્મો અને સમાજની જરૂરિયાતને પહોંચી વળવા યોગ્ય છે કે કેમ તેની સમીક્ષા કરાશે.
હિંદુ અને શીખોના અંતિમસંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવા માગતા હોય છે. પરંતુ તેમને સમાવવા માટે સ્મશાન નાના પડે છે. અંતિમવિધિ માટે શિખ, હિંદુ, બૌદ્ધ, જૈન અને ઝોરોસ્ટ્રીયન ધર્મમાં અગ્નિસંસ્કારને પસંદ કરાય છે અને બ્રિટનમાં પણ દફનવિધિના સ્થાને તે વધુ પસંદ કરાય છે. ખ્રિસ્તી તથા ધર્મવિહોણા લોકો પણ તેનો વધુ ઉપયોગ કરે છે.
બેરોનેસ વિલિયમ્સ ઓફ ટ્રેફોર્ડે જણાવ્યું હતું, ‘ઈંગ્લેન્ડમાં નવા સ્મશાનોની સંખ્યામાં છેલ્લાં દસ વર્ષમાં ૧૦ ટકા કરતાં વધુનો વધારો થયો છે. સ્મશાનો લોકોની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરા પ્રત્યે આદર રાખે અને મુશ્કેલીના સમયમાં પરિવારોની જરૂરિયાતને પૂરી કરે તેવા ઉચ્ચ કક્ષાના બને તે જરૂરી છે.’
જુલાઈ ૨૦૧૫ના બજેટમાં ચાન્સેલરે સમીક્ષાની જાહેરાત કરી હતી. સરકારે તમામ ધાર્મિક જૂથો અને સમાજ તેમજ આ સુવિધા પૂરી પાડનારાને સ્મશાનો સેવા વિશે રજૂઆત કરવા જણાવ્યું છે. સરકાર યોગ્ય સમયમાં આ પ્રતિભાવોની વિગતો જાહેર કરશે અને નીતિમાં ફેરફારની જરૂર અંગે વિચારણા કરશે.
૨૦૧૪માં ૩,૯૦,૦૦૦ કરતાં વધુ અગ્નિસંસ્કાર થયાં હતા, જે તે વર્ષે થયેલાં કુલ મૃત્યુના ૭૭.૩૫ ટકા થાય છે. ઈંગ્લેન્ડના કુલ ૨૩૨ સ્મશાનોમાંથી ૭૭ ખાનગી માલિકીના છે.


