લંડનઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી સ્લાઉ બરો કાઉન્સિલમાં ભૂતપૂર્વ નેતા કાઉન્સિલર ડેક્સ્ટર સ્મિથે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ કન્ઝર્વેટિવ કાઉન્સિલર વાલ ચહલની નિયુક્તિ કરાઇ છે. કાઉન્સિલર ચહલ સૌપ્રથમ 2014-2018 વચ્ચે કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ 2023માં તેઓ ફરીથી ચૂંટાયા હતા. તેઓ અત્યાર સુધી કાઉન્સિલર સ્મિથની સાથે કાઉન્સિલના ડેપ્યુટી લીડર તરીકે સેવા આપી રહ્યા હતા. ગુરુવારે યોજાયેલી કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં સ્મિથે નવા નેતા તરીકે કાઉન્સિલર ચહલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. યોજાયેલા મતદાનમાં કાઉન્સિલર ચહલની તરફેણમાં 18 મત પડ્યા હતા, જ્યારે 3 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું અને 14 સભ્ય મતદાનથી અલિપ્ત રહ્યા હતા. આ સાથે જ તેઓ સત્તાવાર રીતે કાઉન્સિલના નવા નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા.


