લંડનઃ સહયોગી કાઉન્સિલર સાથે ધમકીભર્યું અને આક્રમક વલણ અપનાવનાર સ્લાઉના કાઉન્સિલ સામેના નિંદા પ્રસ્તાવ પર તમામ કાઉન્સિલરની મિટિંગમાં નિર્ણય લેવાશે. 2023માં એક જાહેર સભામાં કાઉન્સિલર ઇફ્તિખાર એહમદે આક્રમક વ્યવહાર કરીને સ્લાઉ બરો કાઉન્સિલના કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કર્યું હોવાનું પૂરવાર થયું છે. ગયા મહિનામાં એહમદ સામેના આરોપોની સુનાવણી કરનાર સમિતિએ જણાવ્યું હતું કે, એહમદના વ્યવહારના કારણે કાઉન્સિલર પૂજા બેદી પોતાની સુરક્ષા માટે અત્યંત ભયભીત બની ગયાં હતાં.
નવા પાર્કિંગ નિયંત્રણો અંગે 25 ઓક્ટોબર 2023ના રોજ યોજાયેલી જાહેર સભામાં આ ઘટના બની હતી. કન્ઝર્વેટિવ કાઉન્સિલર પૂજા બેદી કેબિનેટ મેમ્બરની રૂએ આ સભામાં બોલી રહ્યાં હતાં ત્યારે એહમદે આ યોજનાનો વિરોધ કરીને આક્રમક તથા ધમકીભર્યા વ્યવહારનું પ્રદર્શન કર્યું હતું.