સ્લાઉનો અપક્ષ ઉમેદવાર મુસ્લિમોને સાગમટે મતદાનની અપીલ કરતો હોવાનો આરોપ

અઝહર ચૌહાણે લેબર સાંસદ ટેન ઢેસીના આરોપો નકારી કાઢ્યાં

Tuesday 04th June 2024 13:00 EDT
 

લંડનઃ સ્લાઉનો અપક્ષ મુસ્લિમ ઉમેદવાર મુસ્લિમોને એકજૂથ થઇને મતદાન કરવાની અપીલ કરતો હોવાનો આરોપ મૂકાયો છે. લેબર સાંસદ ટેન ઢેસીએ સ્લાઉની જનતાને અપીલ કરી છે કે ઘેર ઘેર ફરીને એક સમુદાયના લોકોને મત આપવાની અપીલ કરતા લોકોના ઝાંસામાં ન આવે. ઢેસીએ અપક્ષ ઉમેદવાર અઝહર ચૌહાણ દ્વારા ચલાવાતા અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. અઝહરને મુસ્લિમ વોટ નામના સંગઠનનું સમર્થન હાંસલ હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો.

ઢેસીએ જણાવ્યું હતું કે, શહેરમાં ઝેર ફેલાવી રહેલા લોકો દ્વારા મતદારો ગેરમાર્ગે ન દોરાય. જનતા આપણા વૈવિધ્યપૂર્ણ સમુદાયને વિભાજિત થવા ન દે. આરોપો નકારી કાઢતાં અઝહર ચૌહાણે જણાવ્યું હતું કે, હું કોઇને વિભાજિત કરવાના પ્રયાસ કરી રહ્યો નથી. મારા અભિયાનને શિખ અને ખ્રિસ્તી સમુદાયનું પણ સમર્થન છે. હું ફક્ત મુસ્લિમોની વાત કરતો નથી. મારો ધર્મ માનવતા છે.

ઢેસીએ આરોપ મૂક્યો હતો કે મુસ્લિમ વોટ સંગઠન દ્વારા સોશિયલ મીડિયા પર ચૌહાણને મત આપવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સંગઠન પેલેસ્ટિનિયનો અને ગાઝામાં યુદ્ધવિરામને સમર્થન આપતા ઉમેદવારોને મત આપવા અપીલ કરી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter