લંડનઃ પુત્રને હુમલામાંથી બચાવવા આવેલી માતાને કારથી કચડી નાખવાનો પ્રયાસ કરનારા સ્લાઉના ખુર્રમ હુસેનને રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા 11 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. જોકે જ્યુરીએ આ હુમલામાં સામેલ હમ્માદ અઝિઝ, મોહમ્મદ જમશાદ અને તલ્હા મુહમ્મદને હિંસક હુમલા અને તીક્ષ્ણ હથિયારો રાખવાના આરોપમાંથી મુક્ત કરી દીધાં હતાં. 18 જૂન 2023ના રોજ સાંજે બનેલી આ ઘટનામાં હુસેન તેના જૂથ સાથે વિન્ડમિલ રોડ પહોંચ્યો હતો. તેમણે 20 વર્ષીય યુવાન પર હુમલો કરતાં યુવાનની માતા બચાવ માટે દોડી આવી હતી. હુસેને માતાને કાર દ્વારા કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે માતાને તેનો એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેના પુત્રને પણ આ હુમલામાં ગંભીર ઇજા પહોંચી હતી. હુમલા બાદ હુસેન ચાર જ કલાકમાં ફ્લાઇટ બુક કરાવી પાકિસ્તાન ફરાર થઇ ગયો હતો. ફેબ્રુઆરી 2024માં તે બ્રિટન પરત ફરતાં તેની ધરપકડ કરાઇ હતી.