લંડન: બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર દિવંગત મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયના રાષ્ટ્રીય સ્મારકની અંતિમ યોજના મંગળવારે તેમના 100મા જન્મદિવસના અવસરે જાહેર કરવામાં આવી છે. સેન્ટ્રલ લંડનમાં નિર્માણ પામનારા આ સ્મારકમાં મહારાણીની તેમની યુવાનીના દિવસોની એક ભવ્ય પ્રતિમા મુખ્ય આકર્ષણ રહેશે.
મહારાણીની 20 વર્ષની વયની કાંસ્ય પ્રતિમા ધ મોલ તરફ મુખ રાખીને ઊભી રહેશે. આ પ્રતિમા 1955માં ઈટાલિયન કલાકાર પિયેત્રો એનિગોની દ્વારા બનાવવામાં આવેલા પ્રખ્યાત પોટ્રેટથી પ્રેરિત હશે, જેમાં તેઓ શાહી પોશાકમાં સજ્જ જોવા મળશે.
મહારાણીની પ્રતિમાથી 20 મીટર પાછળ તેમના પતિ સ્વ. પ્રિન્સ ફિલિપની એક નાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. તેઓ નેવલ યુનિફોર્મમાં હશે અને મહારાણી તરફ જોતા હોય તે રીતે દર્શાવવામાં આવશે. તે ઉપરાંત સ્ટીલ અને કાચનો એક અત્યાધુનિક ટિયારા બ્રિજ બનાવવામાં આવશે, જે મહારાણીના લગ્ન સમયના મુગટ ટિયારાથી પ્રેરિત હશે. આ બ્રિજનું સંભવિત નામ ક્વીન એલિઝાબેથ બ્રિજ રાખવામાં આવશે.
આ ભવ્ય સ્મારકનું નિર્માણ કાર્ય 2028 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. મહારાણીના ભૂતપૂર્વ ખાનગી સચિવ અને મેમોરિયલ કમિટીના અધ્યક્ષ લોર્ડ જાનવ્રિને જણાવ્યું હતું કે, અમે મહારાણીના જાહેર સેવા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણના મૂલ્યોને આ સ્મારક દ્વારા ભાવિ પેઢી સુધી પહોંચાડવા માંગીએ છીએ.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ સ્મારક આવનારી પેઢીઓ માટે મહારાણીના અસાધારણ શાસન પર વિચાર કરવા માટેનું એક મહત્વનું સ્થળ બનશે.


