પ્રિય વાચકમિત્રો,
કોરોના મહામારીના કપરાં કાળમાં લંડન અને અમદાવાદમાં કાર્યરત ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની ટીમ હિંમતભર્યા કદમે આગળ વધતી હતી ત્યારે અમને આપના પસંદગીના બન્ને સાપ્તાહિકોને દ્વિભાષી કરવાનું વચગાળાનું પગલું ભરવાની ફરજ પડી હતી. આના કારણે અમારા માનવંતા વાચકોને અને ગ્રાહકોને કોઈ અસુવિધાનો સામનો કરવો પડ્યો હોય તો તે બદલ અમે ક્ષમાપ્રાર્થી છીએ.
મને એ જણાવતા આનંદ થાય છે કે અમે પુનઃ અમારા મૂળ સ્વરુપને આપની સમક્ષ લાવી રહ્યા છીએ. આગામી એડિશનથી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકો અગાઉની માફક જ અલગ પ્રકાશિત કરાશે.
પ્રિન્ટ ઈન્ડસ્ટ્રી અને ખાસ કરીને વંશીય પ્રકાશનોને કોવિડ-૧૯ મહામારીનો ભારે આઘાત-ફટકો સહન કરવો પડ્યો છે. યુકે, યુએસ અને ભારતમાં ઘણા પ્રકાશનોને તેમની પ્રિન્ટ એડિશન બંધ કરવી પડી છે અને વાચકો સુધી પહોંચવા મુખ્યત્વે ઈ-સર્વિસીસ પર આધાર રાખવાની ફરજ પડી છે. હું ફરી એક વખત અમારા સુજ્ઞ વાચકોને અને ગ્રાહકોને પડેલી અસુવિધા બદલ માફી ચાહું છું. અમારા અસંખ્ય વાચકો અને ABPL ટીમના સભ્યો, બંનેએ જે પ્રકારે નિષ્ઠા અને એકતા દર્શાવી છે તેના માટે હું તેમનો આભારી છું.
હું આશા રાખું છું કે લગભગ સમગ્ર જીવનને થંભાવી દેનારી આ કોવિડ-૧૯ મહામારીના સમયમાં આપ અને આપના પરિવારજનો સ્વસ્થ હશો. આ વાઈરસે તમામ ક્ષેત્રને આઘાતની પરિસ્થિતિમાં મૂકી દીધાં છે. માનવજીવનની હાનિ સ્તબ્ધ કરી દેનારી છે અને હજુ વધતી જાય છે. આવા સમયમાં મહેરબાની કરીને આપ સહુ તમામ આવશ્યક કાળજી લેશો.
અમે ગુજરાત સમાચાર (યુકે) અને એશિયન વોઈસના સભ્યો આ કપરા સમયમાં વિશ્વભરના તમામ હેલ્થ વર્કર્સ, પોલીસ, વ્યાવસાયિક તેમજ સેવાભાવી સામાજિક સંસ્થાઓ, જેઓ ખડે પગે ઉભા રહી, કપરી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા દિવસરાત અથાક કામ કરી રહ્યાં છે તેમને હૃદયપૂર્વક આદરાંજલિ અર્પીએ છીએ.
અમે સહુ, જેઓ કોવિડ-૧૯ અને અન્ય ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે તેવાં પરિવારો અને ખાસ કરીને જેઓએ સ્વજનો-મિત્રો ગુમાવ્યા છે તેમના માટે અંતરથી પ્રાર્થના કરીએ છીએ.
એક જવાબદાર મીડિયા હાઉસ હોવાના કારણે ગુજરાત સમાચાર (યુકે) અને એશિયન વોઈસ તેમના વાચકો પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે અને સમગ્ર વિશ્વમાં વર્તમાન ઘટનાઓ અને સમાચારોથી તેમને માહિતગાર કરી રહ્યા છીએ. અમારો મુદ્રાલેખ જ ‘સેવા યજ્ઞ’ અને ‘જ્ઞાનયજ્ઞ’નો રહ્યો છે અને સતત તેને અનુસરવાની પરંપરા ધરાવીએ છીએ.
અમારી ઈ-પેપર સર્વિસીસ નવી જાણકારી ન અપાય ત્યાં સુધી તમામ વાચકોને નિઃશુલ્ક મળતી રહેશે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ઈ-પેપર્સની સુવિધા પ્રાપ્ત કરવા આ સાથે જણાવેલી લિન્ક્સ પર ક્લિક કરશો. આ લિન્ક્સ મારફત આપ અમારા ગુણવત્તાસભર ઈ-પેપર્સ ઓનલાઈન વાંચવાની મોજ માણી શકશોઃ
ગુજરાત સમાચારઃ https://bit.ly/3bqfuXy
એશિયન વોઈસઃ https://bit.ly/2XQJJDb
આપ સહુ અમારા પરિવારના હિસ્સારુપ હોવાથી અમે આપના અને આપના સ્નેહીજનોની સલામતી અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. અમે આપની સેવા વધુ સારી રીતે કરી શકીએ તે માટે આપના સલાહ-સૂચનો હંમેશાં આવકારતા રહીશું.
સુરક્ષિત રહો..... સ્વસ્થ રહો.... અને શક્ય બને તો આ જરૂરિયાતના સમયમાં મદદનો હાથ લંબાવતા રહેશો...
આપનો સહૃદયી
સી. બી. પટેલ, (પ્રકાશક-તંત્રી)