લંડનઃ બ્રિટિશ સરકારે જાહેરાત કરી છે કે બેન્ક ઓફ ઇંગ્લેન્ડની મોનિટરી પોલિસી કમિટીના સભ્ય સ્વાતી ઢિંગરાની 3 વર્ષની બીજી મુદત માટે નિયુક્તિ કરાઇ છે. તેઓ બેન્ક ઓફ ઇંગ્લેન્ડની વ્યાજદર નક્કી કરતી કમિટીના એક્સ્ટર્નલ મેમ્બર તરીકે ફરજ બજાવશે. ઓગસ્ટ 2022માં ઢિંગરાની પહેલીવાર આ કમિટીમાં નિયુક્તિ થઇ હતી અને હવે તેઓ 8 ઓગસ્ટ 2028 સુધી કમિટીના સભ્ય રહેશે.
ભારતીય મૂળના અર્થશાસ્ત્રી સ્વાતી ઢિંગરા બેન્ક ઓફ ઇંગ્લેન્ડની મવાળવાદી મોનેટરી પોલિસીના હિમાયતી છે. આ મહિનાના પ્રારંભે તેમણે વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું.
ઢિંગરા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપે છે. તેઓ ટ્રેડ પોલિસીના નિષ્ણાત મનાય છે. મોનેટરી કમિટીમાં કોઇપણ સભ્ય મહત્તમ બે મુદત માટે સેવા આપી શકે છે.