સ્વિસ બેન્કોમાં બ્રિટિશરોના સૌથી વધુ નાણા, રૂ.૬૭૫૭ કરોડ સાથે ભારત ૭૪મા ક્રમે

Tuesday 02nd July 2019 09:14 EDT
 
 

લંડનઃ ઝ્યુરિચ: સ્વિટઝર્લેન્ડની બેન્કોમાં નાણા જમા કરાવનારા દેશોની યાદીમાં બ્રિટને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ભારત ૭૪મા ક્રમે છે. ગત વર્ષે ભારત ૭૩મા સ્થાને હતું. સ્વિસ નેશનલ બેન્ક (SNB) દ્વારા જાહેર આંકડા મુજબ વિદેશીઓ દ્વારા સ્વિસ બેન્કોમાં જમા કરાયેલા ધનમાં બ્રિટિશરોનો હિસ્સો ૨૬ ટકા છે જયારે, ભારતીયોનો હિસ્સો માત્ર ૦.૦૭ ટકા જ છે. સ્વિસ બેન્કોમાં નાણા રાખનારા દેશોમાં ટોચના પાંચ દેશોમાં બ્રિટન અને અમેરિકા ઉપરાંત, વેસ્ટ ઈન્ડીઝ, ફ્રાંસ અને હોંગકોંગ પણ સામેલ છે. આ પાંચ દેશોનો હિસ્સો કુલ જમા રકમના ૫૦ ટકાથી વધુ છે. સ્વિસ બન્કોમાં નાણા રાખનારા બહામાસ, જર્મની, લક્ઝમબર્ગ, કેયમન ટાપુઓ અને સિંગાપુર સહિત ટોચના દસ દેશોનો કુલ જમા રકમમાં બે તૃતીઆંશ અને ટોચના ૧૫ દેશનો હિસ્સો ૭૫ ટકા છે.

એમ કહેવાય છે કે બ્રિટિશ નાગરિકો દ્વારા ૧૨૫ બિલિયન પાઉન્ડ સ્વિસ બેન્કોમાં છુપાવાયા હોઈ શકે છે. HMRC દ્વારા સ્વિસ બેન્કોમાં ગુપ્ત ખાતાં હોવાનું મનાતા સેંકડો ધનવાન નાગરિકોને તેમની ગેરકાયદે સંપત્તિ જાહેર કરવાના પત્રો પણ લખાયા છે. ઉલ્લેખનીય છે કે સ્વિસ બેન્કોમાં નાણા છુપાવવા બદલ બે બ્રિટિશ નાગરિકોની ધરપકડ પણ કરાયાનું મનાય છે. યુકે અને સ્વિટઝર્લેન્ડે ગત ઓક્ટોબરમાં ટેકસ ગેરરીતિઓની માહિતી આપવાની સમજૂતી કરી હતી. યુકેના નાગરિકો સ્વિટઝર્લેન્ડમાં નાણા છુપાવે તે અટકાવવા નવા માર્ગો શોધવા બંને દેશ સાથે મળી કામ કરી રહ્યા છે. યુકેના નાગિકોની ઓળખ છુપાવી તેમના સ્વિસ બેન્કોમાં રહેલા નાણા પર ટેક્સ લાદવાનો માર્ગ પણ વિચારાધીન છે. બ્રિટિશરો દ્વારા સંપત્તિ છુપાવવા અને કરચોરીના કારણે સરકારને દર વર્ષે રેવન્યુમાં આશરે ૧૪ બિલિયન પાઉન્ડનું નુકસાન જતું હોવાનું નિષ્ણાતો માને છે.

સ્વિસ બેન્કોમાં ભારતીયોના ૬૭૫૭ કરોડ રૂપિયા

ભારત અને પાડોશી દેશો સ્વિસ બેન્કોમાં નાણા રાખવા બાબતે પાછળ છે. ૨૦૧૫માં ભારત ૭૫મા ક્રમે તેમજ તેની અગાઉના વર્ષે ૬૧મા ક્રમ હતું. ભારત ૨૦૦૪માં ૩૭મા ક્રમ સહિત ૨૦૦૭ સુધી ટોચના ૫૦ દેશોની યાદીમાં હતું. ૨૦૧૮મા સ્વિસ બેન્કોમાં ભારતીયોની જમા રકમ છ ટકા ઘટાડા સાથે અંદાજે ૬૭૫૭ કરોડ રૂપિયા (૯૫૫ મિલિયન સ્વિસ ફ્રાન્ક) હતી. સ્વિસ બેન્કોમાં નાણાં રાખવા સંદર્ભે ભારત બ્રિક્સ દેશમાં સૌથી પાછળ છે, જ્યારે રશિયા (૨૦), ચીન (૨૨), દક્ષિણ આફ્રિકા (૬૦) અને બ્રાઝિલ ૬૫મા ક્રમે છે. ભારતના પાડોશી દેશો પાકિસ્તાન ૮૨, બાંગલાદેશ ૮૯, નેપાળ ૧૦૯, શ્રીલંકા ૧૪૧, મ્યામાંર ૧૮૭ અને ભૂટાન ૧૯૩મા ક્રમે આવે છે.

સ્વિસ બેન્કોનું ઓસરતું આકર્ષણ

સ્વિટઝર્લેન્ડની મધયસ્થ બેન્ક દ્વારા દર વર્ષે જાહેર કરાતી સત્તાવાર આંકડાકીય માહિતીમાં ભારતીયો, બિનનિવાસી ભારતીયો અથવા અન્યો દ્વારા વિવિધ દેશોની બિનહિસાબી કંપનીઓ કે બનાવટી નામોથી રખાયેલી થાપણોનો સમાવેશ થતો નથી. ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકો તેમની ગેરકાયદે સંપત્તિ કે નાણા સ્વિસ બેન્કોમાં મૂકવા પહેલા ટેકસ હેવન્સ સહિત વિવિધ સ્તરોનો ઉપયોગ કરતા હોવાથી તેમનું પગેરું મેળવવું મુશ્કેલ રહે છે. ભારત તથા અન્ય દેશો સાથે આવી સંપત્તિની માહિતીની આપ-લે કરવા સ્વિટઝર્લેન્ડ સરકારે કરારો કર્યા હોવાથી સ્વિસ બેન્કોની ગુપ્તતાની પ્રખ્યાત દીવાલોમાં તિરાડો પડી હોવાથી ત્યાં નાણા રાખવાનું આકર્ષણ ઓસરી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter