હંગ પાર્લામેન્ટઃ થેરેસા મેને ચૂંટણીનો જુગાર ભારે પડ્યો

ટોરી પાર્ટીને બહુમતીમાં આઠ બેઠકની ઘટઃ લેબર પાર્ટીને ૨૬૧, સ્કોટિશ નેશનલને ૩૫, લિબ.ડેમોક્રેટ્સને ૧૨ અને ડીયુપીને ૧૦ બેઠક મળીઃ Ukipને એક પણ બેઠક નહિ

Friday 09th June 2017 06:19 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ ખેલેલો મધ્યસત્ર ચૂંટણીનો જુગાર તેમને ભારે પડ્યો છે. કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં હંગ પાર્લામેન્ટની સ્થિતિ ઉભી થઈ છે. સ્પષ્ટ બહુમતી માટે ૩૨૬ બેઠક જોઈએ તેની સામે જાહેર ૬૪૯ બેઠકમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને ૩૧૮ અને લેબર પાર્ટીને ૨૬૧ બેઠક મળી છે. આમ, થેરેસા મેની ટોરી પાર્ટીને નુકસાન, જ્યારે જેરેમી કોર્બીનની લેબર પાર્ટીને મોટો લાભ થયો છે. સ્કોટિશ નેશનલ પાર્ટીને ૩૫, લિબરલ ડેમોક્રેટ્સને ૧૨, ડીયુપીને ૧૦ તથા ગ્રીન પાર્ટીને માત્ર ૧ બેઠક મળી હતી. Ukip એક પણ બેઠક મેળવી શકી નથી. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને વડા પ્રધાન થેરેસા મેનાં તત્કાળ રાજીનામાની માગણી કરી હતી, જેને થેરેસાએ ફગાવી દીધી હતી. જોકે, થેરેસા મે સામે તેમના જ પક્ષમાંથી બળવાના સૂર ઉઠવા લાગ્યા છે. પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને રેફરન્ડમનો જુગાર ખેલ્યો હતો, જેમાં તેઓ નિષ્ફળ જતા સત્તા ખોવી પડી હતી. આવી જ પરિસ્થિતિ થેરેસા મે માટે સર્જાઈ શકે છે.મતદાન પછીના તત્કાળ એક્ઝિટ પોલમાં કન્ઝર્વેટિવ પાર્ટીને ૩૧૪ બેઠકો મળવાની આગાહી કરવા સાથે હંગ પાર્લામેન્ટની શક્યતા દર્શાવાઈ હતી. હંગ પાર્લામેન્ટની અસર બ્રેક્ઝિટ પ્રક્રિયા પર થવાની સંભાવના છે. લિબરલ ડેમોક્રેટ નેતા અને પૂર્વ નાયબ વડા પ્રધાન નિક ક્લેગ તેમજ સ્કોટિશ નેશનલ પાર્ટીના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર એલેક્સ સાલમોન્ડનો કરુણ પરાજય થયો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીએ સ્કોટલેન્ડમાં સારો દેખાવ કર્યો હોવાં છતાં તેને સત્તા જાળવવા ડીયુપી જેવા પક્ષનો સાથ મેળવવો જરૂરી બની ગયો છે.

બ્રેક્ઝિટની વાટાઘાટોમાં જરૂરી મજબૂત નેતાગીરીની દુહાઈ આપીને મધ્યસત્ર ચૂંટણી યોજવાનો વડા પ્રધાન થેરેસા મેનો દાવ અવળો પડ્યો છે. તેમણે ચૂંટણીની જાહેરાત કરી ત્યારે લેબર પાર્ટી પર ટોરી પાર્ટીની ૨૨ પોઈન્ટની સરસાઈ હતી તેથી અત્યાર કરતા ૮૦-૧૦૦ બેઠક વધુ મળશે તેવી ગણતરી પર પાણી ફરી વળ્યું છે. લેબર પાર્ટીએ કન્ઝર્વેટિવ પાર્ટીને હાઉસ ઓફ કોમન્સમાં એબ્સોલ્યુટ બહુમતી મેળવતા અટકાવી હતી અને યુકેમાં હંગ પાર્લામેન્ટની પરિસ્થિતિ સર્જાઈ છે. ચૂંટણીપ્રચારના આરંભથી ટોરી પાર્ટી અને થેરેસા મેની અંગત લોકપ્રિયતાની સરસાઈ ઘટતી ગઈ હતી, જેનું પરિણામ જોવાં મળ્યું છે.

કન્ઝર્વેટિવ પક્ષમાં પણ થેરેસા મેની નેતાગીરી માટે આ ચૂંટણી અતિ મહત્ત્વની હતી. ટોરી સાંસદ એના સોબ્રીએ જણાવ્યું હતું કે તદ્દન નબળા ચૂંટણીપ્રચાર પછી થેરેસા મેએ પક્ષમાં પોતાની પોઝિશન વિશે વિચારવું જોઈશે. ચાવીરુપ ટોરી મિનિસ્ટર્સ બેન ગુમેર, જેન એલિસન, સિમોન કર્બી અને ગેવિન બેરવેલ તેમના લેબર હરીફો સામે પરાજિત થયાં હતાં.

કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતી અપાવી ન શકતાં થેરેસા મેની સ્થિતિ નબળી પડી છે અને એકાદ સપ્તાહમાં બ્રેક્ઝિટ વાટાઘાટોનો આરંભ થવાનો છે ત્યારે મંત્રણા સંદર્ભે તેમની વિશ્વસનિયતા રહેશે નહિ. ઈયુ નેતાઓએ પણ થેરેસા મે સ્થિર સરકાર આપી શકશે નહિ તેમ જણાવતા વાટાઘાટો ભાંગી પડશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. મંત્રણાની નેતાગીરી ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન અને બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસના હાથમાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. જો થેરેસાને જવું પડશે તો તેઓ યુકેના ઈતિહાસમાં સૌથી ઓછો સમય શાસન પર રહેનારા વડા પ્રધાન બની રહેશે

કન્ઝર્વેટિવ પાર્ટી સત્તા જાળવી શકે તે માટે રાજકીય પ્રયુક્તિઓ આરંભી દેવાઈ છે. ડીયુપીના ૧૦ સાંસદ પાર્લામેન્ટમાં ચૂંટાઈ આવ્યા છે, જેમનો ટેકો મેળવવો ટોરીઝ માટે મહત્ત્વનો બની ગયો છે. ડીયુપીના નેતા સર જેફ્રી ડોનાલ્ડસને જણાવ્યું હતું કે,‘અમે અચાનક મહત્ત્વપૂર્ણ બની ગયા છીએ.’

-------------------------------------

પાર્ટીને મળેલા મતની ટકાવારીની તુલના

પાર્ટી         બેઠક               ૨૦૧૫ની તુલનાએ વધઘટ

કન્ઝર્વેટિવ   ૩૧૮                   ૧૨ ટકા ઘટાડો

લેબર        ૨૬૨                    ૧૩ ટકા વધારો

SNP         ૩૫                    ૧૯ ટકા ઘટાડો

લિબરલ ડેમોક્રેટ  ૧૨              ૨ ટકા વધારો

અન્ય               ૧૧              ૭ ટકા ઘટાડો

કઈ પાર્ટીને કેટલા મત

પાર્ટી                       મત (ટકા)

કન્ઝર્વેટિવ                    ૪૯

લેબર                         ૪૨.૨૨

લિબરલ ડેમોક્રેટ             ૧.૮૫

SNP                         ૫.૩૯

UKIP                          ૦૦

ગ્રીનપાર્ટી                     ૦.૧૫


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter