હંગામી ફાર્માસિસ્ટ નિરેન પટેલને ફ્રોડ બદલ ૧૨ મહિનાની જેલ

સેસિલ એ સોન્સ Wednesday 21st June 2017 06:51 EDT
 
 

લંડનઃ ડે લૂઈ ગ્રૂપની હોર્નચર્ચ ફાર્મસીમાં હંગામી ફાર્માસિસ્ટ તરીકે સેવા આપતા ભારતીય મૂળના નિરેન પટેલને સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટે છેતરપીંડી આચરવાના અપરાધમાં ૧૨ મહિનાની જેલની સજા ફરમાવી હતી. મેટ્રોપોલીટન પોલીસના રિપોર્ટ અનુસાર ઈલ્ફર્ડ, એસેક્સનો ૩૮ વર્ષીય રહેવાસી નિરેન પટેલ ૧૦ મે, બુધવારે સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટમાં હાજર થયો હતો. તેણે વિશ્વાસના પદનો દુરુપયોગ અને પુરવઠો આપવાના ઈરાદે ક્લાસ-બી ડ્રગ્સ ધરાવવાના બે કાઉન્ટ તેમજ ક્લાસ-સી ડ્રગ્સ રાખવાના પાંચ કાઉન્ટ સાથે છેતરપીંડીના ગુનાની કબૂલાત કરી હતી. પટેલને ૧૬ જૂન, શુક્રવારે ૧૨ મહિનાના કારાવાસની સજા ફરમાવાઈ હતી.

સ્ટોક રેકોર્ડ્સ અને નિરેન પટેલ દ્વારા ખરીદાયેલી ડ્રગ્સના વિશ્લેષણમાં જણાયું હતું કે તેણે આશરે ૫,૦૦૦ પાઉન્ડના મૂલ્યની પ્રીસ્ક્રિપ્શન મેડિસીન્સ માટે બનાવટી ઓર્ડર્સ ઉભાં કર્યા હતા. તેણે બોડી બિલ્ડર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ગ્રોથ હોર્મોન જેનોટ્રોપિન સહિતની દવાઓ શેરીઓમાં સામાન્ય લોકોને વેચી હોવાની કબૂલાત કરી હતી.

નિરેન પટેલ દ્વારા છેતરપીંડી આચરી વેચાયેલી અન્ય દવામાં વજન ઘટાડવા અને શૈક્ષણિક પરફોર્મન્સ સુધારવા ઉપયોગમાં લેવાતી ક્લાસ-બી ડ્રગ ડેક્ઝામફેટામાઈન તેમજ સેડેટિવ્ઝ ઝેનાક્સ, ઝોલ્પિડેમ અને ડાયાઝેપામ જેવી ક્લાસ-સી ડ્રગ્સનો પણ સમાવેશ થયો હતો.

આ અખબાર સમક્ષ જારી નિવેદનમાં ડે લૂઈ ગ્રૂપના સુપરિન્ટેન્ડન્ટ ફાર્માસિસ્ટ પીટર ગ્લોવરે જણાવ્યું હતું કે,‘ નિરેન પટેલ સામે ક્રિમ્નલ કાર્યવાહી બાબતે ડે લૂઈ સ્પષ્ટ કરે છે કે મિ. પટેલ કદી ડે લૂઈના કર્મચારી ન હતા. તેઓ ગ્રૂપની હોર્નચર્ચ ફાર્મસી ખાતે કામચલાઉ સેવા આપતા હતા. ચોરીની જાણ થતાં જ આ ઘટનાની પોલીસ અને GPhCને તત્કાળ રિપોર્ટ કરાયો હતો. ડે લૂઈના સાથીઓએ પોલીસને તપાસમાં સહકાર આપ્યો હતો, જેના પરિણામે પટેલને સજા થઈ શકી હતી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter