લંડનઃ તાજિકિસ્તાનના એક રાજ્યાશ્રયવાંચ્છુને યુકેમાં રહેવાની પરવાનગી અપાઇ છે પરંતુ તે માટે અપાયેલું કારણ આશ્ચર્યજનક છે. તેણે અપીલમાં દલીલ કરી હતી કે જો મને દેશનિકાલ કરાશે તો મારે હજામત કરવી પડશે. હું મારી દાઢીની હજામત કરવા નથી ઇચ્છતો. દાઢી રાખવા માટે મારા પર અત્યાચાર કરાશે.
હોમ ઓફિસે આ માઇગ્રન્ટને તાજિકિસ્તાનમાં દેશનિકાલનો પ્રયાસ કર્યો હતો પરંતુ હવે અસાયલમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે આ વ્યક્તિને તેની દાઢીના કારણે ઇન્ટરનેશનલ પ્રોટેક્શન અપાય તેનો અધિકાર છે.
તાજિકિસ્તાનમાં દાઢી રાખવા પર સરકારે પ્રતિબંધ લાદી રાખ્યો છે અને છેલ્લા એક દાયકામાં દાઢી રાખનારા લાખો પુરુષોની ધરપકડ કરાઇ છે. તાજિકિસ્તાનમાં દાઢી રાખનારા પુરુષોની ધરપકડ કરીને બળજબરીથી હજામત કરાય છે અને પોલીસ તેમની ફિંગર પ્રિન્ટ લઇને રેકોર્ડ પણ રાખે છે.
તાજિકિસ્તાનની સરકાર આવું એટલા માટે કરે છે કે તેના દેશના પુરુષ કટ્ટરવાદી ન બને અને ઇસ્લામિક આતંકવાદી સંગઠનોમાં જોડાઇ ન જાય.
આ માઇગ્રન્ટનો રાજ્યાશ્રયનો દાવો પહેલાં તો નકારી કઢાયો હતો પરંતુ અપીલ કોર્ટમાં સુનાવણી બાદ ચુકાદો અપાયો હતો કે જો માઇગ્રન્ટને હજામત કરવાની ફરજ પડાશે તો તેના પર અત્યાચાર થયો ગણાશે.