લંડનઃ રેવન્યુ અને કસ્ટ્મ્સ વિભાગ તેને પ્રાપ્ત નવી સત્તાઓ અન્વયે પાછલા વર્ષોના બાકી ટેક્સના સંદર્ભે સામાન્ય વર્કર સાથે ‘ચુકવણી હમણા, દલીલ પછી’ની નીતિ અપનાવી રહ્યો છે. હજારો કોન્ટ્રાક્ટર્સ અને ફ્રીલાન્સર્સ £૫.૫ બિલિયનની ટેક્સ રેઈડ્સની જાળમાં ભરાઈ ગયાં છે, જેમણે ત્રણ મહિનામાં તમામ બાકી કર ચુકવવો પડશે. ઓછો કે નહિ ચુકવેલો કર ઘણા વર્ષ અગાઉની નોકરીધંધા સાથેનો પણ હોઈ શકે છે.
ગયા વર્ષે HMRCને ટેક્સ ટાળવા વિવિધ યોજનાઓનો લાભ મેળવતા ઈન્વેસ્ટર્સ સામે કોર્ટમાં ગયા વિના સંભવિત ટેક્સ જવાબદારીઓ અદા કરવા દબાણની સત્તાઓ મળી હતી, જેનો ઉપયોગ સામાન્ય વર્કરો માટે કરાઈ રહ્યો છે. અગાઉ, રેવન્યુ વિભાગને બિલિયન્સ પાઉન્ડનો કર મેળવવા ખર્ચાળ કોર્ટ કાર્યવાહી કરવી પડતી હતી. મિલિયોનેર બિઝનેસમેન અને પ્રીમિયર લીગ ફૂટબોલર્સ ટેક્સ બચાવતી યોજનાઓમાં રોકાણો કર્યા પછી £૧૦ મિલિયન સુધીની ટેક્સ ડિમાન્ડ્સનો સામનો કરી રહ્યા છે.
ઘણાં નોકરિયાતોને તેમની જૂની નોકરીઓના સંદર્ભે ટેક્સ ડિમાન્ડ્સ મોકલાઈ છે. જો આ લોકો ‘એગ્રેસિવ એવોઈડન્સ’ સ્કીમનાં ઉપયોગમાં નિર્દોષ જણાશે તો તેમને રિફન્ડ મળી જશે, પરંતુ અત્યારે તો ત્રણ મહિનામાં નાણા ચુકવવા પડશે. ૬૪,૦૦૦ લોકોને આવી ડિમાન્ડ નોટિસો મોકલાઈ છે. HMRCને અત્યાર સુધી આવી નોટિસો સામે £૧ બિલિયન મળી ગયાં છે, જેમાંથી મોટા ભાગની રકમ રિફન્ડ થવાની શક્યતા છે. અત્યાર સુધી £૨૮ મિલિયન રિફન્ડ ચુકવી દેવાયું છે.