લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા લવાયેલા ઇમિગ્રેશન કાયદાની મહત્ત્વની જોગવાઇ પડતી મૂકતાં હવે યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશનારા 54000 જેટલા વિદેશીઓને બ્રિટનમાં રહેવાના નવા અધિકાર પ્રાપ્ત થશે. ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિક દ્વારા કરાયેલી ઘોષણા રાજ્યાશ્રય માટેની 1,37,600 જેટલી પડતર અરજીઓના નિકાલના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવી રહી છે. તે ઉપરાંત સરકાર ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને હોટેલ અને ઘરોમાં રાખવા પાછળ પ્રતિ દિવસ 6 મિલિયન પાઉન્ડના ખર્ચમાં પણ ઘટાડો કરવાનો ઇરાદો ધરાવે છે. ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને જો તેમના રાજ્યાશ્રયના દાવાને સ્વીકારવામાં આવશે તો 30 મહિનાના સ્થાને પાંચ વર્ષ યુકેમાં રહેવાની પરવાનગી અપાશે. ત્યારબાદ તેઓ યુકેમાં સ્થાયી રહેવા માટેની અરજી કરી શકશે.
તેનો અર્થ એ થયો કે ગેરકાયદેસર રીતે બ્રિટનમાં આવેલા માઇગ્રન્ટ્સ પાસે પણ કાયદેસર રીતે બ્રિટનમાં આવેલા લોકો જેટલા જ અધિકાર પાંચ વર્ષ સુધી રહેશે. સરકારના આ પગલાના કારણે બોરિસ જોન્સન અને પ્રીતિ પટેલ દ્વારા દાખલ કરાયેલી બે સ્તરીય સિસ્ટમનો અંત આવી ગયો છે.
સરકારની આ યોજના અંતર્ગત રાજ્યાશ્રયની મંજૂરીનો સૌથી ઊંચો દર ધરાવતા 6 દેશોના વધુ 12,000 માઇગ્રન્ટ્સને ફેસ ટુ ફેસ ઇન્ટર્વ્યુ વિના જ યુકેમાં રહેવાનો અધિકાર મળી જશે. અફઘાનિસ્તાન, સીરિયા, લીબિયા, ઇરિટ્રિયા, યમન અને સુદાનના રાજ્યાશ્રય માગનારા લોકોની પ્રોસેસ દસ્તાવેજોના આધારે કરાશે અને તેમાંના મોટાભાગનાને ઇન્ટર્વ્યુ વિના જ યુકેમાં રહેવાની પરવાનગી મળી જશે.

