લંડનઃ યુકેમાં ભારતીયો સૌથી મોટો વંશીય લઘુમતી સમુદાય છે અને દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય સ્કીલ્ડ વર્કર્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ યુકે પહોંચે છે. યુકેના હેલ્થકેર, આઇટી, ફાઇનાન્સ અને રિસર્ચ જેવા સેક્ટરોમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ મોટું છે.
સ્કીલ્ડ વર્કર વિઝા પર યુકે પહોંચેલા ઘણા ભારતીયોને આઇએલઆર માટે પાંચ વર્ષને સ્થાને 10 વર્ષ રાહ જોવી પડી શકે છે. જેના કારણે મધ્યમ આવક ધરાવતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ, રિસર્ચર્સ અને વર્ક વિઝા પર ટ્રાન્સફર થનારા વિદ્યાર્થીઓ પર ગંભીર અસર થશે.
બીજીતરફ નિયમોમાં બદલાવને કારણે સીનિયર ટેકનોલોજી, કન્સલ્ટિંગ અને ફાઇનાન્સ સેક્ટરોમાં ઉચ્ચ આવક ધરાવતા ભારતીયોને આ નિયમને કારણે મોટો લાભ થઇ શકે છે. તેઓ 3 વર્ષના સમયગાળામાં જ પરમેનેન્ટ રેસિડેન્સી પ્રાપ્ત કરી શકશે.
યુકેમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાં ભારતીયોનો હિસ્સો સૌથી વધુ છે. તેમને પરમેનેન્ટ રેસિડેન્સી માટે આકરા નિયમોનો સામનો કરવો પડશે. જ્યાં સુધી તેઓ ઉચ્ચ આવક મેળવતા નહીં થાય ત્યાં સુધી તેમને પરમેનેન્ટ રેસિડેન્સી માટે લાંબા વર્ષો રાહ જોવી પડશે.
તેવી જ રીતે જીવનસાથી અને પુખ્ત આશ્રિતો પ્રાયમરી એપ્લિકન્ટની સાથે ઓટોમેટિક ક્વોલિફાય થશે નહીં તેથી પરિવારો માટે યુકેમાં પરમેનેન્ટ રેસિડેન્સીની પ્રક્રિયા જટિલ બની રહેશે.હજારો ભારતીય પરિવારોએ યુકેમાં પરમેનેન્ટ રેસિડેન્સી માટે લાંબા વર્ષો સુધી રાહ જોવી પડશે.

