લંડનઃ સરકારે બદલેલાં નિયમો અનુસાર હજારો મકાનમાલિકોને ઘરની પાછળ તરફ સાતથી આઠ મીટરના એક માળ સુધીનું બાંધકામ વધારવા માટે હવે પ્લાનિંગ પરમિશનની જરુર નહિ રહે. દુકાનોને પણ અરજી વિના ઓફિસ સ્પેસમાં બદલી શકાશે. આ પગલાં ૨૦૧૪માં કામચલાઉ ધોરણે લવાયાં હતાં પરંતુ, હવે તેને કાયમી સ્વરુપ મળ્યું છે.
જો મકાનમાલિક છતબંધ મકાનમાં રહેતા હશે તો છ મીટરના એક માળનું વધારાનું બાંધકામ કરી શકશે અને જો તેઓનું ઘર અલગ-ડીટેચ્ડ હશે તો આઠ મીટરના એક માળનું બાંધકામ કરી શકશે. નવો નિયમ ૨૦૧૪માં કામચલાઉ ધોરણે અમલી થયા પછી ૧૧૦,૦૦૦થી વધુ બાંધકામ વધારાયાં હતા. દંપતીઓ વધુ બાળકનો પ્લાન કરે તો મોટું ઘર ખરીદવાના બદલે તેમના વર્તમાન ઘરનું એક માળ સુધી બાંધકામ કરાવી શકશે. આનો અર્થ એ પણ થાય છે કે સંપૂર્ણ પ્લાનિંગ પરમિશન વિના જ દુકાનોને ઓફિસ સ્પેસ અથવા લાયબ્રેરીઓ અને ટાઉન હોલ્સમાં ફેરવી શકાશે.
હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રીએ કહ્યું છે કે બિઝનેસમાલિકોને હાઈ સ્ટ્રીટ પર થતાં બદલાવનો ઝડપી પ્રતિભાવ આપવામાં મદદ માટે નિયંત્રણકારી પ્લાનિંગ કાયદા રદ કરી દેવાયા છે.
લોકલ ગવર્મેન્ટ એસોસિયેશન પ્લાનિંગના પ્રવક્તા કાઉન્સિલર માર્ટિન ટેટે જણાવ્યું હતું કે નવા નિયમ હેઠળ બાંધકામ વધારવાનું મકાનમાલિકોમાં લોકપ્રિય બન્યું છે છતાં, પ્લાનિંગ પ્રક્રિયા કારણસર જ છે. પડોશના રહેવાસીઓ અને બિઝનેસીસ તેમજ સ્થાનિક પ્લાનિંગ વિભાગોની ક્ષમતા પર તેની અસરોની સ્વતંત્ર સમીક્ષા ન થાય ત્યાં સુધી આ નિયમ કાયમી બનાવવો ન જોઈએ.


