લંડનઃ હજારો લોકોએ લંડન મેયર દ્વારા ૧૧ ઓક્ટોબરે ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે રંગેચંગે કરાયેલી ઊજવણીમાં ભાગ લીધો હતો. ભારતભરમાં દીવાળીની ઊજવણી અશુભ પર શુભ, અંધકાર પર ઉજાસ, અજ્ઞાન પર જ્ઞાનના વિજયના પ્રતીકરૂપે કરવામાં આવે છે. જોકે, તેની અલગ અલગ કથાઓ ચાલે છે. ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ઊજવણીની થીમ શાંતિ અને સ્વતંત્રતા માટે શૌર્ય, એકતા અને બલિદાનના વારસા પર કેન્દ્રિત હતી. આ પ્રસંગે કાર્યક્રમોમાં ૩૫,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી.
વર્તમાન એશિયન મ્યુઝિક અને ડાન્સમાં શ્રેષ્ઠ ગણાતા કળાકારો અને પ્રતિભાશાળી કોમ્યુનિટી ગ્રૂપ્સ દ્વારા લોકરંજન અર્થે પરફોર્મન્સ કરાયું હતું. પરંપરાગત ધાર્મિક સંગીત અને વિધિ દ્વારા કાર્યક્રમના આરંભ અને સમાપન કરવામાં આવ્યા હતા. દીવાળીની ઊજવણી પ્રસંગે લોકોને એશિયન શાકાહારી વાનગીઓ, મીઠાઈઓ અને સુમધુર પીણાંનો આસ્વાદ લેવાની તક સાંપડી હતી. બાળકોએ પણ વિવિધ રમકડાં, ઘરેણાં ખરીદવા તેમ જ છોકરીઓએ સાડી પહેરી ફોટોઝ પડાવવાની તકનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમમાં હાજર લોકોને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ અખબારો નિઃશુલ્ક વહેંચવામાં આવ્યા હતા.