લંડનઃ કોવિડ નિયંત્રણો હટાવી લેવાયા પછી કામ પર પરત ફરવામાં અગ્રણી સેવા તરીકે સિવિલ સર્વિસની જાહેરાત કરાઈ હોવાં છતાં, પબ્લિક સેક્ટરમાં હજારો કર્મચારી હજુ વર્ક ફ્રોમ હોમની સુવિધા મેળવી રહ્યા છે. અર્થતંત્રના ભલા માટે ઓફિસમાં કામ કરવા આવવા સરકારે વારંવાર હાકલ કરી હોવાં છતાં, હજારો વર્કર્સને ઘેર રહીને કામ કરવાની છૂટછાટ અપાઈ હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે.
વ્હાઈટ હોલના માંધાતાઓથી માંડી દેશભરના સિવિલ સર્વિસ કર્મચારીઓમાં હાઈબ્રીડ વર્કિંગ એન્વિરોનમેન્ટ પ્રસરી ગયું છે અને ઓફિસોમાં 40 ટકા વર્કિંગ ટાઈમનો ઉપયોગ થાય છે. પબ્લિક સેક્ટરની મોટા ભાગની ઓફિસીસ ખાલી દેખાય છે. જાહેર ભંડોળથી ચાલતી ઘણી સંસ્થાઓમાં 10 ટકાથી ઓછો સ્ટાફ ઓફિસમાં જોવાં મળે છે અને કેટલીક સંસ્થાઓમાં તો સ્ટાફ હોતો જ નથી તેમ ડેઈલી મેઈલના અહેવાલમાં દાવો કરાયો છે.
વ્હાઈટહોલમાં મિનિસ્ટર્સને વર્કર્સને ઓફિસીસમાં લાવવા કહી દેવાયું છે ત્યાં કેટલાક ડિપાર્ટમેન્ટ્સમાં અડધાથી ઓછો સ્ટાફ હાજર જણાય છે. જાન્યુઆરીમાં જ કેબિનેટ ઓફિસ મિનિસ્ટરે સિવિલ સર્વન્ટ્સને સરકારી વિભાગોમાં કામ કરવા પરત ફરવા જણાવ્યું હતું. જોકે, ડેઈલી મેઈલના અહેવાલ અનુસાર 20 સરકારી એજન્સીઓ અને વ્હાઈટહોલ ડિપાર્ટમેન્ટ્સે વર્કર્સ સપ્તાહમાં બે વખત હાજરી આપે તેવી માગ કરી હતી. કેટલાકને ઘેર રહી કામ કરવા માટે હીટિંગ બિલ્સ માટે માસિક 18 પાઉન્ડ તેમજ ખુરસી અને ડેસ્ક ખરીદવા નાણા અપાયા હતા.
જોકે, પૂર્વ ટોરી નેતા ઈઆન ડંકન સ્મિથે ઘેરથી કામ કરવાની વ્યવસ્થાનો અંત આવવો જ જોઈએ તેમ જણાવી કહ્યું છે કે સિવિલ સર્વન્ટસે સ્વાર્થી બન્યા વિના ઓફિસે પરત ફરવાની જરૂર છે. બધા પરત આવી રહ્યા છે ત્યારે તેમમે પણ ઓફિસે પરત થવું જોઈએ.


