લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય દૃઢપણે માને છે કે ‘તમે જાતને જેટલી વૃદ્ધ માનો એટલા જ વૃદ્ધ રહો છો.’ ૯૫ વર્ષના ક્વીન પ્રવચનો કરવાં, રીસેપ્શનોના આયોજન સહિતની શાહી ફરકજો નિભાવે છે પરંતુ પોતાને વૃદ્ધ માનતાં નથી. તેમણે ‘ઓલ્ડી ઓફ ધ યર’ એવોર્ડ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે કારણકે તેઓ આ કેટેગરીમાં બંધબેસતાં નથી. ક્વીન આગામી વર્ષે રાજગાદી સંભાળવાના ૭૦ વર્ષે પ્લેટિનમ જ્યુબિલીની ઊજવણી કરવાના છે.
‘Oldie of the Year’ એવોર્ડના ચેરમેન, લેખક અને બ્રોડકાસ્ટર ગાઈલ્સ બ્રાન્ડ્રેથે ક્વીનના પ્રાઈવેટ સેક્રેટરીને સર એડવર્ડ યંગને પત્ર પાઠવી મહામારી કાળમાં નેતાગીરી સંદર્ભે અને જ્યુબિલી અગાઉ, ક્વીનના નેતૃત્વને સન્માનવાની શક્યતા તપાસવા ક્વીન આ બહુમાન સ્વીકારશે કે કેમ તેની પૃચ્છા કરી હતી. જોકે, ક્વીને શ્રેષ્ઠ ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી મક્કમતા અને વિનમ્રતાસહ એવોર્ડ સ્વીકારવા ઈનકાર કર્યો હતો. ક્વીનના આસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરીએ લખ્યું હતું કે તેઓ એવોર્ડ સંબંધિત માપદંડમાં ફીટ બેસતાં નહિ હોવાનું ક્વીન માને છે. આ પત્ર મેગેઝિનના નવેમ્બર અંકમાં પ્રસિદ્ધ કરાયો છે.
આ વર્ષે ‘પ્રિન્સિપાલ ઓલ્ડી ઓફ ધ યર’ એવોર્ડ ઓસ્કારવિજેતા ૯૦ વર્ષીય ફ્રેન્ચ અભિનેત્રી લેસ્લી કેરોનના ફાળે ગયો હતો. ક્વીનના પુત્રવધુ ડચેસ ઓફ કોર્નવોલ, કેમિલાને ૨૦૦૬માં ‘Oldie Award for Spouse of the Year’અપાયો હતો જ્યારે એપ્રિલમાં ૯૯ વર્ષની વયે મૃત્યુ પામેલા ડ્યૂક ઓફ એડિનબરા, પ્રિન્સ ફિલિપને તેમની ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે ૨૦૧૧માં ‘Oldie of the Year’ એવોર્ડ એનાયત કરાયો હતો. ઓલ્ડી એવોર્ડ મેળવનારામાં સર જ્હોન મેજરથી માંડી ડેમ ઓલિવિયા દ હેવિલેન્ડ અને ડેવિડ હોકની સહિત ઓસ્કારવિજેતા, નોબેલવિજેતાઓથી માંડી કોમ્યુનિટી કેર નર્સીસ અને પીઢ એથ્લીટ્સનો સમાવેશ થાય છે.